દેશમાં ઉનાળુ મગના વાવેતરમાં 74 ટકા અને અડદમાં 48 ટકાનો વધારો

25 May, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં ઉનાળુ પાકોનું વાવેતર હવે પૂર્ણતાને આરે છે અને સરકારના આંકડાઓ પ્રમાણે ગયા વર્ષની તુલનાએ ૨૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને મગના વાવેતરમાં ૭૪ ટકા અને અડદના વાવેતરમાં ૪૮ ટકાનો વધારો થયો છે

મગ

દેશમાં ઉનાળુ પાકોનું વાવેતર હવે પૂર્ણતાને આરે છે અને સરકારના આંકડાઓ પ્રમાણે ગયા વર્ષની તુલનાએ ૨૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને મગના વાવેતરમાં ૭૪ ટકા અને અડદના વાવેતરમાં ૪૮ ટકાનો વધારો થયો છે. આમ ઉનાળુ પાકોના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના અને સરકાર દ્વારા ફરજિયાત સ્ટૉક જાહેર કરવાના નિર્ણયને પગલે ચાલુ સપ્તાહમાં તમામ કઠોળના ભાવમાં ઘટાડો જોવા મળે એવી પૂરી સંભાવના દેખાય રહી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ પ્રમાણે ૨૧ મે સુધીમાં તમામ ઉનાળુ પાકોનું વાવેતર ૨૧.૧૦ ટકા વધીને ૮૦.૪૬ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે ૬૬.૪૪ લાખ હેક્ટરમાં થયું હતું. ખાસ કરીને કઠોળના વાવેતરમાં ૬૮ ટકાનો વધારો થઈને ૧૭.૮૨ લાખ હેક્ટરમાં થયું છે, જેમાં સૌથી મોટો હિસ્સો મગનો છે. મગનું વાવેતર ૭૪ ટકા વધીને ૧૪.૪૫ લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે અડદના વાવેતરમાં ૪૮ ટકાનો વધારો થઈને ત્રણ લાખ હેક્ટરની નજીક પહોંચ્યું છે.

દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર પણ ૧૧.૧૫ ટકા વધીને ૧૦.૮૭ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે ૯.૭૮ લાખ હેક્ટરમાં થયું હતું. ડાંગરના વાવેતરમાં ૧૫.૩૧ ટકા વધારો થઈને ૩૯.૬૧ લાખ હેક્ટરમાં થયું હતું.

દેશમાં ઉનાળુ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે અને હવે ખરીફ પાકોના આગોતરા વાવેતર પણ ચાલુ થવા લાગ્યા છે. કેન્દ્ર સરકાર આગામી પંદરેક દિવસમાં ખરીફ પાકોના વાવેતરના આંકડાઓ પણ રેગ્યુલર જાહેર કરે એવી સંભાવના છે.

business news