ગ્લોબલ રિસેશનની વ્યાપક આગાહીઓ વચ્ચે ૨૦૨૩નો આરંભ સોનામાં તેજીની આગેકૂચ સાથે રહ્યો

03 January, 2023 12:56 PM IST  |  Mumbai | Mayur Mehta

ડિસેમ્બરમાં આઠ ટકાની તેજી બાદ સોનાનું સેફ હેવન સ્ટેટસ મજબૂત બનતાં લેવાલી વધી

પ્રતિકાત્મક તસવીર

ગ્લોબલ રિસેશનની આગાહીઓ વચ્ચે ડિસેમ્બરમાં આઠ ટકાના ઉછાળા બાદ ૨૦૨૩નો આરંભ પણ સોનામાં તેજીની આગેકૂચ સાથે થયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૫૭ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

સોનું ૨૦૨૩ના આરંભથી તેજીની રાહે ઝડપભેર આગળ વધી રહ્યું છે. વૈશ્વિક એજન્સીઓ દ્વારા રિસેશનની આગાહીઓ વચ્ચે ચીનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. સોનું સોમવારે વધીને ૧૮૨૭.૨૦ ડૉલર થયું હતું. ટેક્નિકલી સોનામાં ૧૮૨૫ ડૉલરની સપાટી વટાવ્યા બાદ સોનામાં મોટી તેજીના સંકેતો મળવાના રિપોર્ટ છે. અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૩માં રહેવાની આગાહીને પગલે ડૉલર ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમમાં પણ તેજી જોવા મળી હતી. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૪૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૮ પૉઇન્ટ હતો. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત ત્રીજે મહિને ઘટ્યો હતો. ઉપરાંત મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથનો ઘટાડો પણ ૨૨ મહિનાનો સૌથી મોટો હતો. મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટનો ગ્રોથ ઘટીને ૪૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૭.૮ પૉઇન્ટ હતો, જ્યારે ન્યુ ઑર્ડરનો ગ્રોથ અને એક્સપોર્ટ સેલ્સમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. 

ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૪૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૬.૭ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરના ગ્રોથમાં પણ સતત ત્રીજે મહિને ઘટાડો નોંધાયો હતો. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડરની સંખ્યા સતત છઠ્ઠા મહિને અને નિકાસ ઑર્ડર સતત સાતમા મહિને ઘટ્યા હતા. ઇન્પુટ કૉસ્ટ અને આઉટપુટ પ્રાઇસ બન્ને ઘટ્યા હતા, પણ કોરોનાનાં નિયંત્રણને કારણે બિઝનેસ ઍક્ટિવિટી બંધ રહેતાં સર્વિસ સેક્ટરના ગ્રોથને મોટી અસર પહોંચી હતી. 

ચીનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ૨૦૨૨ના ત્રીજા ક્વૉર્ટરમાં ૧૪૪.૩ અબજ ડૉલર રહી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ કરન્ટ અકાઉન્ટ સરપ્લસ હતી. કરન્ટ અકાઉન્ટ સરપ્લસ પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૧૪૪ અબજ ડૉલર રહી હતી, જ્યારે એક વર્ષ અગાઉના ક્વૉર્ટરમાં કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ૮૨.૬ અબજ ડૉલર રહી હતી. 

ચાલુ સપ્તાહે શુક્રવારે અમેરિકાના ડિસેમ્બર મહિનાના નૉન-ફાર્મ પેરોલ ડેટા જાહેર થશે, જેમાં ૨.૨૦ લાખને નવી નોકરીઓ મળવાની ધારણા છે. વીકલી અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ડેટામાં છેલ્લા સપ્તાહમાં નબળાઈ જોવા મળી હોવાથી ડિસેમ્બર મહિનાના પેરોલ ડેટા જૉબમાર્કેટની સ્થિતિ વિશે વધુ સ્પષ્ટ ચિત્ર મળશે. અમેરિકામાં સપ્ટેમ્બરમાં ૩.૧૫, ઑક્ટોબરમાં ૨.૮૪ અને નવેમ્બરમાં ૨.૬૩ લાખને નવી નોકરીઓ મળી હતી. છેલ્લા ત્રણ મહિનાથી પેરોલ ડેટા ઘટી રહ્યા છે. ડિસેમ્બરમાં જો ધારણા પ્રમાણે ૨.૨૦ લાખને જ નવી નોકરીઓ મળશે તો સતત ચોથા મહિને પેરોલ ડેટામાં ઘટાડો જોવા મળશે. 

અમેરિકાના ડિસેમ્બર મહિનાના જૉબડેટા ઉપરાંત ચાલુ સપ્તાહે ફેડની ડિસેમ્બર મહિનાની મીટિંગની મિનિટ્સ જાહેર થશે જેમાં ફેડના મેમ્બરો ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારા વિશે શું મંતવ્ય ધરાવે છે એ બહાર પડશે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડિસેમ્બર મહિનાના ગ્રોથ ડેટા અને અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા પણ જાહેર થશે. યુરો એરિયા અને યુરોપિયન દેશોના ડિસેમ્બર મહિનાના ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. 

ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૨૬ મહિનાની ઊંચી સપાટીએ ૫૭.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૫.૭ પૉઇન્ટ હતો. ભારતના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત ૧૮મા મહિને વધારો નોંધાયો હતો. મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ ૧૩ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો, જ્યારે ન્યુ ઑર્ડર ૨૨ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં એમ્પ્લૉયમેન્ટ પણ સતત ૧૦મા મહિને વધ્યું હતું. ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ સતત વધી રહી છે. એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધીને ૯.૭૮ ટ્રિલ્યન (લાખ કરોડ) રૂપિયાએ પહોંચી હતી જે ગયા વર્ષે આ સમયગાળામાં ૬.૯૬ ટ્રિલ્યન રૂપિયા રહી હતી. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ફાઇનૅન્શિયલ યરના પ્રથમ આઠ મહિનામાં ગવર્નમેન્ટના ટાર્ગેટની ૫૮.૯ ટકાએ પહોંચી હતી. ભારતનો કુલ ખર્ચ ૧૭.૭ ટકા વધીને ૨૪.૪ ટ્રિલ્યન રૂપિયા અને આવક ૬.૨ ટકા વધીને ૧૪.૪ ટ્રિલ્યન રૂપિયા રહી હતી. ફૂડ, ફ્યુઅલ અને ફર્ટિલાઇઝર સબસિડી ૩.૦૧ ટ્રિલ્યન રૂપિયા રહી હતી, જે ૩.૧૮ ટ્રિલ્યન રૂપિયાના બજેટની નજીક હતી. ભારત સરકારે ચાલુ વર્ષે ફિઝિકલ ડેફિસિટનો ટાર્ગેટ કુલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ૬.૪ ટકા રાખ્યો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

૨૦૨૩ના આરંભ સાથે રિસેશનના સંકેતો વધુ સ્પષ્ટ મળવા લાગ્યા છે. ચીનમાં મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત ત્રીજે મહિને ઘટ્યો હતો અને અમેરિકાના ડિસેમ્બર મહિનાના જૉબડેટા નબળા આવવાની આગાહી થઈ રહી છે. જોકે અમેરિકાની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ રેકૉર્ડ બ્રેક ઊંચાઈએ પહોંચી છે, જે એક રાહતભર્યા સમાચાર છે. અમેરિકન ઇકૉનૉમીમાં જૉબમાર્કેટ અને હાઉસિંગ માર્કેટ બન્ને ઇકૉનૉમીના મેઇન ડ્રાઇવર હોવાથી આ બન્ને સેક્ટરનું ચિત્ર રિસેશનની અસરને વધુ સ્પષ્ટ કરશે. રિસેશનના વધુ ને વધુ સંકેતો વચ્ચે ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ અતિ સ્ટ્રૉન્ગ રહ્યો છે, જે ભારતમાં ફિઝિકલ ગોલ્ડની ખરીદીને વધારશે. ઓવરઑલ સોનાનાં ફન્ડામેન્ટ્સ ૨૦૨૩ના આરંભથી મજબૂત બની રહ્યાં છે. ટેક્નિકલ લેવલ પર ૧૮૨૫નું લેવલ પાર થતાં હવે નૉનસ્ટૉપ તેજીનો તબક્કો શરૂ થવાનો પણ સંકેત છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૫,૧૬૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૪,૯૪૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮.૩૪૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market indian rupee