હવે શૅરબજારમાં ૨૦૦૮ કરતાં પણ વધારે ખરાબ કડાકો બોલાશે ૨૦૨૫માં

12 June, 2024 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ટોચના ઇકૉનૉમિસ્ટની ચેતવણી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાના ટોચના ઇકૉનૉમિસ્ટ હૅરી ડેન્ટે ચેતવણી આપી છે કે ૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવી હતી એના જેવી ભયંકર મંદી વિશ્વના શૅરબજારોમાં જોવા મળી શકે એમ છે. તેમણે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે તેજીના જે પરપોટા દેખાઈ રહ્યા છે એ ગમે ત્યારે ફૂટી શકે એમ છે.

આવનારી મંદી વિશે બોલતાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના હૅરી ડેન્ટે કહ્યું હતું કે ‘૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવેલી ભયાનક મંદીને કારણે વિશ્વભરનાં શૅરબજારોમાં તબાહી મચી હતી અને એ કુદરતી હતી. એની પાછળ કોઈ કારણ નહોતું, પણ હવે આવનારી મંદી નવા પ્રકારની છે. આ અગાઉ આવું કદી થયું નથી. જો હૅન્ગઓવર થાય તો તમે શું કરો છો? વધારે શરાબ પીઓ છો. અત્યારે આવું થઈ રહ્યું છે. અર્થતંત્રને આગળ ધપાવવા માટે વધારાનાં નાણાં એમાં નાખવામાં આવે છે, પણ લાંબા ગાળા માટે એ સારું નથી, ગમે ત્યારે આવા બબલ ફૂટે છે.’

આ મુદ્દે છણાવટ કરતાં હૅરી ડેન્ટે કહ્યું હતું કે ‘મોટા ભાગના બબલ પાંચથી છ વર્ષમાં ફૂટી જાય છે, પણ હાલમાં જે બબલ છે એ છેલ્લાં ૧૪ વર્ષથી ચાલી રહ્યા છે. આમ ૨૦૦૮-’૦૯માં આવેલા ક્રૅશ કરતાં પણ મોટા ક્રૅશનો ખતરો છે અને એ આવી રહ્યો છે. આ પરપોટો ફૂટશે ત્યારે શૅરબજારો તળિયે જશે. મારું માનવું છે કે નૅસ્ડૅક હાલના લેવલથી ૯૨ ટકા અને સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર (S&P) ૮૬ ટકા સુધી નીચે જશે. આજે જેને હીરો સ્ટૉક તરીકે ઓળખવામાં આવે છે એ એ​​​ન્વિડિયાનો સ્ટૉક ૯૮ ટકા સુધી નીચે જઈ શકે છે.’

આગામી ક્રૅશ વિશે વધુ જાણકારી આપતાં હૅરી ડેન્ટે કહ્યું હતું કે ‘સરકારે આ બબલને તૈયાર કર્યો છે. એ ૧૦૦ ટકા આર્ટિફિશ્યલ છે. જેમ સારો દેખાવ કરવા માટે કૃત્રિમ રીતે દવાઓ અપાય છે એમ સરકારો અર્થતંત્રને મોટું કરવા આવા ડોઝ આપી રહ્યી છે. એક વાત નક્કી છે કે જો પરપોટો હોય તો એ એક દિવસ ફૂટવાનો જ છે. આવતા વર્ષની શરૂઆતથી આની અસર જોવા મળવી શરૂ થઈ જશે. આના કારણે હાઉસિંગ માર્કેટને મોટી અસર પડશે.’ આ ઇકૉનૉમિસ્ટે ૧૯૮૯ના જપાનના ઍસેટ પ્રાઇઝ બબલ અને ૨૦૦૦ના ડૉટકૉમ બબલ ફૂટશે એવી આગાહી કરી હતી.

 

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex