હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલીની આવરદા કેટલી?

12 September, 2023 07:53 PM IST  |  Mumbai | Janak Bathiya

ઇન્ડિયન ટૅક્સેશન અને ઇ​ન્ડિયન ફૅમિલી લૉમાં હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી (એચયુએફ) એ એક અનન્ય અને પરંપરાગત વિભાવના છે.

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન ટૅક્સેશન અને ઇ​ન્ડિયન ફૅમિલી લૉમાં હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી (એચયુએફ) એ એક અનન્ય અને પરંપરાગત વિભાવના છે. જે લોકોના વડવાઓ સમાન હોય અને જે લોકો સંબંધિત હોય એવા પરિવારના લોકો મળીને એચયુએફ બનાવે છે. સદીઓથી એચયુએફની વિભાવના ભારતીય સમાજનો એક અભિન્ન ભાગ રહ્યો છે, પરંતુ ઘણા લોકોને હજી પણ તેના જીવનકાળ અને સાતત્ય વિશે પૂરતો ખ્યાલ નથી. 

એચયુએફના જીવનકાળને પ્રભાવિત કરતાં પરિબળો:
સક્સેશન (ઉત્તરાધિકારી): એચયુએફનું આયુષ્ય તેના ઉત્તરાધિકારીઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. હિન્દુ સક્સેશનના નિયમો પ્રમાણે જે વ્યક્તિ એચયુએફમાં જન્મ પામે તે જન્મથી જ કોપાર્સનર બની જાય છે. તેમનો વડવાઓની સંપત્તિમાંનો હિસ્સો દરેક નવી વ્યક્તિના ઉમેરા સાથે બદલાતો રહે છે. જ્યાં સુધી કો-પાર્સનર્સ અથવા બેનિફિશિયરીઝ બનવા યોગ્ય સભ્યોનો એચયુએફમાં ઉમેરો થતો રહે છે ત્યાં સુધી એચયુએફનું અસ્તિત્વ ટકી રહે છે. દરેક નવી પેઢી સાથે કો-પાર્સનર્સનો ઉમેરો થાય છે અને એનાથી એચયુએફનું સાતત્ય સુનિશ્ચિત થાય છે.
પાર્ટિશન (ભાગલા) : ભાગલાની પ્રક્રિયાથી એચયુએફનો અંત આવે છે. ભાગલાની પ્રક્રિયામાં કો-પાર્સનર્સની વચ્ચે એચયુએફની સંપત્તિની વહેંચણી થાય છે. જ્યારે કો-પાર્સનર્સ જુદા પડવા માટે અને આ એચયુએફની સંપત્તિને વહેંચવા માટે આપસમાં સહમતી સાધે છે ત્યારે સ્વૈચ્છિક રીતે અથવા કાયદા દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હોય એવા સંજોગોમાં ફરજિયાત રીતે આ પ્રક્રિયા કરવામાં આવે છે. જ્યારે કોઈ એક કો-પાર્સનરને પોતાના હિસ્સાનો દાવો માંડવાનો અધિકાર જોઈતો હોય અથવા તો પરિવારના સભ્યો વચ્ચે વિવાદો અને મતભેદ થાય ત્યારે આવી રીતે ફરજિયાત ભાગલા પડે છે. એક વાર ભાગલાની પ્રક્રિયા સમાપ્ત થઈ જાય પછી એચયુએફનું અસ્તિત્વ પણ સમાપ્ત થાય છે અને વહેંચણી કરેલી સંપત્તિનો જે હિસ્સો જે વ્યક્તિગત કો-પાર્સનરને મળ્યો હોય એ હિસ્સો તેની વ્યક્તિગત સંપત્તિ ગણાય છે.

કોપાર્સનર્સનું અવસાન :  એચયુએફના સૌથી મોટા સભ્ય સહિત જો એ એચયુએફના બધા  જ કો-પાર્સનર્સ કોઈ પણ વંશજોને પાછળ રાખ્યા વિના મૃત્યુ પામે તો એચયુએફની કો-પાર્સનરીનો અંત આવે છે. એચયુએફની સંપત્તિ ઉપર જન્મસિદ્ધ અધિકાર ધરાવતા હોય તેવા કોઈ પણ કો-પાર્સનરની હયાતી ન હોય એવા સંજોગોમાં એચયુએફ આપોઆપ વિલીન થઈ જાય છે. કો-પાર્સનરીની વિભાવના એ વંશાવલી ઉપર જ આધારિત હોવાને કારણે આમ થાય છે.

વિલીનીકરણ પછી એચયુએફની સંપત્તિને વ્યક્તિગત સભ્યોની એસ્ટેટ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. એચયુએફની સંપત્તિમાનો દરેક સભ્યનો હિસ્સો એ તેમની વ્યક્તિગત એસ્ટેટનો હિસ્સો બની જાય છે. જો કોઈ પણ સભ્ય બચ્યો ન હોય તો સંપત્તિને મૃત પામેલ સભ્યોના કાયદાકીય વારસદારોમાં વહેંચી દેવામાં આવી છે એમ સમજવામાં આવે છે. આ વારસદારોમાં ભાઈ-બહેન સહિતના એકદમ નજીકના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.   

દત્તક લેવું અને જન્મ થવો : પરિવારમાં નવા કોપાર્સનરનો જન્મ થાય અથવા તો કોઈ બાળકને દત્તક લેવામાં આવે ત્યારે એચયુએફની આવરદા વધે છે. જે નવા સભ્યનો ઉમેરો થયો છે એ પણ પૈતૃક સંપત્તિમાં હિસ્સેદાર બને છે અને એચયુએફના સંચાલનમાં પણ ભાગ ભજવે છે.  

કો-પાર્સનર્સનું સક્સેશન, કાનૂની બદલાવો, પાર્ટિશન્સ અને નવા સભ્યનો જન્મ અથવા દત્તક લેવાની પ્રક્રિયા જેવાં વિવિધ પરિબળો ઉપર એચયુએફની આવરદાનો આધાર છે. જ્યાં સુધી એવા પાત્ર સભ્યોની હાજરી હોય કે જેઓ કો-પાર્સનર્સ બની શકે અને પરિવારની આંતરિક બાબતોની જવાબદારી ઉઠાવી શકે ત્યાં સુધી એચયુએફ અસ્તિત્વમાં રહી શકે છે. 
પરંપરાગત સંયુક્ત કૌટુંબિક પ્રણાલીઓ આજના સમયમાં પહેલાં જેટલી સામાન્ય નથી રહી, એમ છતાં એચયુએફની વિભાવના આજે પણ ઘણા પરિવારો માટે પૂર્વજોની સંપત્તિ અને તેમનો વારસો જાળવવા માટે એટલી જ કારગત છે. એચયુએફના વારસાની જાળવણી કરવા માટે કાયદાકીય બદલાવોને અપનાવીને અને એચયુએફની સક્સેશન અને પાર્ટિશનની બારીકાઈને સમજવું ખૂબ જરૂરી બની રહેશે, કારણ કે આ સમજણ આવનારી પેઢીઓ સુધી એચયુએફનું અસ્તિત્વ ચાલુ રહી શકે એ સુનિશ્ચિત કરશે.    

business news gujarati mid-day