૨૦૨૨ : અર્થનીતિ અને રાજનીતિની વિસંવાદિતા વચ્ચે ડૉલર સામે બધી કરન્સી તૂટી

02 January, 2023 03:58 PM IST  |  Mumbai | Biren Vakil

શૅરબજારોમાં ૧૪ ખર્વ ડૉલર મૂડી ધોવાઈ, ક્રિપ્ટો ઍસેટ, બિગ ટેક અને એસઈપીસી બબલ બર્સ્ટ!

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

૨૦૨૨ના વર્ષમાં ડૉલરનું એકચક્રી શાસન રહ્યું. ૨૦૧૫ પછીના શાનદાર દેખાવરૂપે ડૉલર ઇન્ડેક્સ અંદાજે ૮ ટકાના વધારા સાથે બંધ રહ્યો. યેન ૧૨.૮ ટકાની નરમાઈ સાથે વિશ્વની સૌથી કમજોર કરન્સી રહી. રૂપિયો બીજા નંબરની નબળી કરન્સી રહી, જેમાં ૧૦ ટકાનો ઘટાડો આવ્યો, ૮.૨ ટકા ઘટાડા સાથે યુઆન ત્રીજા નંબરની નબળી કરન્સી રહી. એક વિચિત્ર વિરોધાભાસ નોંધવો જોઈએ કે ડૉલરમાં શાનદાર તેજી હોવા છતાં અમેરિકન શૅરબજાર ૧૯ ટકા તૂટ્યું. રૂપિયો કમજોર હોવા છતાં ભારતીય શૅરબજાર મજબૂત રહ્યું. આર્જેન્ટિના પેસો ૪૦ ટકા તૂટ્યો, પણ આર્જેન્ટિનાના શૅરબજારમાં ૧૩૪ ટકાની તેજી થઈ. 

વીતેલું વર્ષ તમામ મોરચે વિસંવાદિતાનું હતું. નાણાકીય નીતિમાં અમેરિકા, યુકે, યુરોપ, ભારત સહિત સંખ્યાબંધ દેશોએ ચુસ્ત નાણાનીતિ અપનાવી, પણ ચીન અને જપાને હળવી નાણાનીતિ અપનાવી અલગ ચીલો ચાતર્યો. કૂટનીતિ મામલે પણ ચીન, અમેરિકા, રશિયા વચ્ચે વિસંવાદિતા ચરમસીમા પર રહી. એ જ રીતે રાજનૈતિક વિચારધારા મામલે પણ જમણેરી અને ડાબેરી વિચારધારાઓ વચ્ચેની વિસંવાદિતા ચરમસીમા પર રહી. 

ઘરઆંગણે રૂપિયાનો દેખાવ ૨૦૧૩ પછી સૌથી કમજોર રહ્યો હતો. યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ પછી ક્રૂડ ઑઇલ, ગૅસ તેમ જ સ્ટીલ, કોલસો, મેટલ્સ અને ફૂડ ઇન્ફ્લેશનને કારણે આયાતબિલ વધતાં તેમ જ ચીનમાં કોરોના અને વૈશ્વિક સ્લોડાઉનને કારણે નિકાસો નબળી રહેતાં ભારતની ચાલુ ખાતાની ખાધમાં તોતિંગ વધારો થયો. ૨૦૨૨ના છેલ્લા ક્વૉર્ટરમાં શૅરબજારમાં સુધારો આવતાં તેમ જ અમેરિકામાં વ્યાજદરોની તેજી પૂરી થવાના સંકેતો જોતાં ૨૦૨૩નો આરંભ રૂપિયા માટે થોડો આશાસ્પદ દેખાય છે. જો અમેરિકામાં વ્યાજદર વધતા અટકે અને ફુગાવો ઘટે, ભારતમાં પણ ફુગાવો ઘટે તો આગળ પર રૂપિયો સુધરીને ૭૭-૭૮ આવી શકે. એથી ઊલટું જો કોવિડ લૉકડાઉન કે યુદ્ધોના તનાવ, વૈશ્વિક મંદી જેવાં નેગેટિવ કારણો આવે તો રૂપિયો ૮૬-૮૮ પણ જઈ શકે. હાલ પૂરતું રૂપિયામાં ટેક્નિકલ રેન્જ ૮૧-૮૪ ગણી શકાય.

અમેરિકામાં બેલગામ ફુગાવાને ડામવા ફેડે વ્યાજદરમાં ઝડપી વધારો કરતાં શૅરબજારોમાં, ખાસ કરીને ટેક્નૉલૉજી શૅરોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો. ટેસ્લાના માલિક અલૉન મસ્ક એક વર્ષમાં ૨૦૦ અબજ ડૉલરના મૂડીધોવાણ સાથે ટોચના ક્રમેથી ત્રીજા ક્રમે સરક્યા હતા. ટેક્નૉલૉજી શૅરોમાં કડાકો આવ્યો હતો. બીટકૉઇનમાં ૬૦ ટકા કડાકો અને એફટીએક્સ કૌભાંડ પછી મેમે કૉઇન ઓલ્ટ કૉઇનમાં મૂડીની તારાજી, એસઈપીસી કંપનીઓનો બબલ બર્સ્ટ થતાં અમેરિકન ઍસેટ બજારોમાંથી ‘ફ્રોથ’ જતો રહ્યો છે. ફેડે વ્યાજદરમાં ૪.૨૫ ટકાનો વધારો કર્યો છે. વ્યાજદરો ૫-૫.૫૦ ટકા વચ્ચે ટૉપઆઉટ થઈ જાય અને ૨૦૨૩ના સેકન્ડ હાફમાં ફેડ ન્યુટ્રલ અથવા માઇલ્ડ એકોમોડેટિવ બની જાય એવી શક્યતા નકારાય નહીં. અમેરિકામાં હાઉસિંગ સેક્ટરમાં તેજીનાં વળતાં પાણી થયાં છે. આવતા એકાદ-બે વર્ષમાં અમેરિકન રિયલ એસ્ટેટમાં નોંધપાત્ર કરેક્શન આવી શકે, પણ લાંબા ગાળે અમેરિકા બુલ માર્કેટ છે. છેલ્લાં ત્રણ વીકમાં યુએઈ અને અમેરિકા પ્રવાસમાં કૅપિટલ ફ્લોની પૅટર્ન રસપ્રદ દેખાય છે. રશિયન હોટમની યુકે, યુએસ, યુરોપથી નીકળી ગલ્ફ, ચાઇના તરફ વળી છે. યુરોપમાં મંદી અને રાજકીય તનાવ વચ્ચે કૅપિટલ ફ્લો અમેરિકન રિયલ એસ્ટેટમાં વધ્યો છે. ખાસ કરીને ફ્લૉરિડા, ટેક્સસ, ઍરિઝોના હોટ ડેસ્ટિનેશન છે.યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધથી યુરોપમાં ગૅસના ભાવમાં અસહ્ય તેજી થતાં યુરો, પાઉન્ડ સહિત ઇમર્જિંગ યુરોપિયન કરન્સીમાં કારમી મંદી થઈ હતી. યુદ્ધને ૩૦૦ દિવસ થઈ ગયા છે. યુરોપને સ્ટૅગફ્લેશન નડશે, પણ યુદ્ધ પૂરું થયા પછી યુક્રેન-રશિયાનું રિકન્સ્ટ્રક્શન,  પેન્ટઅપ ડિમાન્ડ તેજી માટે મોટાં ટ્રિગર બનશે. 

એશિયામાં ચીન આખું વર્ષ લાઇમલાઇટમાં રહ્યું હતું. ઝીરો કોવિડ નીતિ અને લાંબા લૉકડાઉન સામે જનતાના દેખાવો ઉગ્ર બનતાં ચીને યુ-ટર્ન લઈ અણધાર્યું રીઓપન કર્યું છે. આ લખાય છે ત્યારે ચીનમાં કોવિડ કેસમાં ઉછાળો આવ્યો છે. ચીનમાં કોવિડ પીક બની જાય, રશિયા-યુક્રેન મામલે કોઈ સમજૂતી થાય તો વૈશ્વિક અર્થતંત્રને મોટું બૂસ્ટ મળે. જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટર માટે બ્રોડ રેન્જમાં રૂપિયો ૮૧-૮૪, યુરો ૧.૦૪-૧.૧૨ પાઉન્ડ ૧.૧૭-૧.૨૪, યેન ૧૨૭-૧૪૦, યુઆન ૬.૮૦-૭.૧૦, ડૉલેક્સ ૧૦૩-૧૧૦, યુરોરૂપી ૮૫-૯૧, પાઉન્ડરૂપી ૯૬-૧૦૪, ગોલ્ડ ૧૬૬૦-૧૯૧૦, બીટકૉઇન ૧૫,૦૦૦-૨૨,૦૦૦ જેવી રેન્જ ગણી શકાય.

business news indian rupee