એઆઇ મેનિયાના સથવારે શૅરો : ક્રિપ્ટોકરન્સીમાં સ્ફોટક તેજી

04 March, 2024 07:22 AM IST  |  Mumbai | Biren Vakil

સૉલિડ જીડીપી ડેટાને પગલે રૂપિયામાં મજબૂતી : ડૉલર અને પાઉન્ડ સ્ટેબલ

પ્રતીકાત્મક તસવીર

રિસ્ક ઑન ઍસેટમાં મેનિયા કન્ડિશનનું કમબૅક થયું છે. ૨૦૨૧માં કોવિડ અનલૉકડાઉન પછી પેની સ્ટૉક્સ, એનએફટી, બીટકૉઇન, ડિજિટલ કરન્સી, સોના-ચાંદી એમ અત્ર તત્ર સર્વત્ર તેજીનો ઉન્માદ છવાયો હતો. એવો જ મેનિયા હાલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એઆઇ, ચિપ્સ, સેમિકન્ડક્ટર સેક્ટર, બિગ ટેક શૅરોમાં દેખાય છે. ક્રિપ્ટો સેક્ટરમાં બીટકૉઇનમાં અંધાધૂંધ તેજી થતાં ક્રિપ્ટો સર્વિસિસના શૅરોમાં ધુઆંધાર તેજી થઈ ગઈ છે. અમેરિકામાં ફુગાવો ફરી વધવા લાગ્યો છે. મતલબ કે અર્થતંત્રમાં હજી ઘણી જ મજબૂતાઈ છે. નૅસ્ડૅક, એસઍન્ડપી ઑલટાઇમ હાઈ થઈ ગયા છે. ભારતમાં ઑક્ટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરનો જીડીપી વિકાસદર ૮.૫ ટકા જેવો ઘણો જ મજબૂત આવતાં નિફ્ટી અને સેન્સેક્સ નવી ઊંચી સપાટીએ પહોંચ્યાં છે. સ્ટેબલ રૂપિયો, સ્ટેબલ બૉન્ડ યીલ્ડ અને શૅરબજારમાં વ્યાપક તેજી, પોર્ટફોલિયો અને સીધા વિદેશી રોકાણમાં વૃદ્ધિ, રાજકીય સ્થિરતા જેવાં અનેક પરિબળો રૂપિયો તેમ જ શૅરબજારને મજબૂતી આપી રહ્યાં છે. બીટકૉઇનની તેજી આશ્ચર્યજનક છે. છ મહિના પહેલાં બીટકૉઇન ૧૭,૦૦૦ ડૉલર હતો જે ગયા સપ્તાહે અંદાજે ૬૪,૦૦૦ ડૉલર થઈ ગયો છે. સોનામાં પણ તેજીનો ચમકારો જોવાયો છે. 

અમેરિકાની વાત કરીએ તો ગયા સપ્તાહમાં ફુગાવાના ડેટા મજબૂત આવતાં હવે બજારની નજર શુક્રવારે નૉન-ફાર્મ પેરોલ ડેટા પર છે. ગયા મહિને જૉબ ડેટા બેહદ મજબૂત હતો. જીડીપી, જૉબ્સ, રીટેલ સેલ્સ જેવા મૅક્રો ડેટા ઘણા મજબૂત છે. મિશિગન સેન્ટિમેન્ટ ડેટા થોડો કમજોર હતો. ડૉલેક્સ ૧૦૪ આસપાસ મક્કમ છે. અમેરિકામાં અર્થતંત્ર ઘણું જ મજબૂત છે. જ્યાં સુધી હાઉસિંગ અને શૅરબજારમાં નોંધપાત્ર મોટું કરેક્શન ન આવે ત્યાં સુધી ફેડ રેટ કટ કરતા ખચકાય એ સ્વાભાવિક છે. મંગળવારે સુપર ટ્યુસડેના રોજ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ તરફથી ડોનલ્ડ ટ્રમ્પના નૉમિનેશન મામલે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. 

ચીનની વાત કરીએ તો પોલિટ બ્યુરોની બેઠક શરૂ થઈ છે, એમાં મૅક્રો ઇકૉનૉમિક પૉલિસી સંકેતો કેવા આવે છે, એના પર વૈશ્વિક મનીમૅનેજર્સ હેજ ફન્ડની નજર છે. ચીનમાં શૅરબજારમાં મંદી અટકી સુધારો આવ્યો છે. મેન્યુ સેક્ટરમાં હજી થોડો સ્લેક છે. કોલસાની ડિમાન્ડમાં રિકવરી દેખાય છે. યુઆન પણ ઘટતો અટક્યો છે. ચીનનાં બજારો સ્ટેબલ થવાં મથે છે. સરકારે નિરંતર નીચા વ્યાજદરો, આરઆર કટ જેવાં પગલાં લીધાં છે એટલે મંદી ધીમી પડી છે. એશિયામાં જપાનમાં દાયકાઓથી ચાલી આવતી નીચા વ્યાજદર, સ્ટિમ્યુલસ નીતિ છોડે અને રેટ હાઇક કરે એવી અટકળ છે. જપાનમાં ફુગાવો અને પગાર વધ્યા છે.

રૂપિયાની વાત કરીએ તો બજાર ૮૨.૭૮-૮૩.૧૩ની અતિ સાંકડી રેન્જમાં સ્ટેબલ છે. અન્ડરટોન મક્કમ છે. રૂપિયો ૮૨.૫૦-૬૦ તરફ જવાનો ઝોક ધરાવે છે. કરન્સી વાયદામાં ટ્રેડિંગ કરનારને વાસ્તવિક અન્ડરલાઇંગ એક્સપોઝર હોવું જરૂરી છે, એ મતલબના સંકેત રિઝર્વ બૅન્ક તરફથી મળ્યા છે. અત્યારે ઘણાખરા ટ્રેડર તેજી-મંદી કે આર્બિટ્રેજ માટે કરન્સી વાયદા રમે છે, પણ જો અન્ડરલાઇંગ એક્સપોઝર જરૂરી છે, એવા નિયમન આવે તો એક્સચેન્જમાં કરન્સી વાયદામાં લિક્વિડિટી મરી પરવારે અને એની ઓટીસી બજાર પર પણ અસર પડે. આ મામલે સ્પષ્ટ પરિપત્ર જલદી આવે એ જરૂરી છે, એમ ફૉરેક્સ બ્રોકિંગનાં સૂત્રો કહે છે. રૂપિયામાં હાલની રેન્જ ૮૨.૭૩-૮૩.૧૩ ગણી શકાય.

યુરોપમાં ફુગાવો હજી ધાર્યા જેવી મચક આપતો નથી. ગાઝા ક્રાઇસિસને કારણે રેડ સી શિપિંગમાં તનાવ છે. ક્રૂડ ઑઇલની તેજી યુરોપમાં ફુગાવા માટે પ્રોત્સાહક છે. એશિયા-યુરોપ જહાજી ભાટાં ઘણાં વધી ગયાં છે એની ચીન, યુરોપ અને અમુક અંશે એશિયા-કૅનેડા વેપાર પર પણ વિપરીત અસર થઈ છે. યુરોમાં અન્ડરટોન થોડો નરમ છે. પાઉન્ડ સ્ટેબલ છે. ગાઝા યુદ્ધવિરામ અને રશિયામાં ચૂંટણી અગાઉ માહોલ કેવો રહે એના પર નાટો અને યુરોપની નજર છે. ઇમર્જિંગ યુરોપિયન કરન્સી એકંદરે સ્ટેબલ છે. 
ટ્રેડિંગ રેન્જ - ડૉલરરૂપી ૮૨.૭૩-૮૩.૧૭, યુરોડૉલર ૧.૦૭૩૦-૧.૦૯૩૦, યુરોરૂપી ૮૮.૮૦-૯૦.૧૦, પાઉન્ડડૉલર ૧.૨૫૭૦-૧.૨૭૨૦, પાઉન્ડરૂપી ૧૦૪-૧૦૫.૫૦, યેન ૧૪૮-૧૫૧, ડૉલેક્સ ૧૦૩.૭૦-૧૦૪.૯૦. 

business news share market stock market sensex indian rupee crypto currency