03 May, 2023 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાંથી વીતેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં ઍગ્રી કૉમોડિટીની વિક્રમી નિકાસ થઈ છે. ખાસ કરીને ચોખા અને કઠોળની નિકાસ વધારે થઈ હોવાથી કુલ નિકાસ વધી ગઈ છે.
નોડલ એજન્સી ઍગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (અપેડા) દ્વારા પ્રમોટ કરાયેલી મુખ્ય કૃષિ અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સની નિકાસ ગયા નાણાકીય વર્ષમાં ૮.૭૪ ટકા વધીને ૨૬.૭૨ અબજ ડૉલર થઈ હતી, જે અગાઉના વર્ષમાં ૨૩.૫૬ અબજ ડૉલરની થઈ હતી. આમ ગયા વર્ષની તુલનાએ નિકાસમાં વધારો થયો છે.
દેશમાંથી મુખ્યત્વે કઠોળ, બાસમતી ચોખા, ગુવારગમ, મગફળી અને પોલ્ટ્રી સેક્ટરનાં ઉત્પાદનો ટોચની નિકાસમાં હતાં, જેમણે ૩૨ ટકાથી વધુ વૃદ્ધિદર નોંધાવ્યો હતો. જોકે ઘઉં અને ફૂલોની નિકાસમાં ઘટાડો થયો છે. ઘઉંની નિકાસ પર સરકારે મે ૨૦૨૨માં પ્રતિબંધ મૂક્યો હોવાથી એની નિકાસને અસર પહોંચી છે.
ઘઉંની નિકાસ વીતેલા વર્ષમાં કુલ ૪૬.૯ લાખ ટનની થઈ છે, જે આગલા વર્ષે ૭૨.૪ લાખ ટનની થઈ હતી. મૂલ્યની રીતે નિકાસ ૧.૫ અબજ ડૉલરની થઈ છે.