પાંચ દિવસની નબળાઈ બાદ ટેક્નિકલ સુધારામાં બજાર સાધારણ વધ્યું, એફઆઇઆઇ એકધારી વેચવાલ

11 May, 2024 08:23 AM IST  |  Mumbai | Anil Patel

પાકિસ્તાની શૅરબજાર ૭૩,૪૪૯ની વિક્રમી સપાટીએ, અગ્રણી તમામ વિશ્વબજારો પૉઝિટિવ ઝોનમાં: અક્ષયતૃતીયાનો શુભ દિવસ જ્વેલરી શૅરોને એકંદરે ફળ્યો: મોદીજીના મનોવિક્ષેપના આઘાતમાં ઘવાયા પછી અદાણી-અંબાણીના શૅર ધીમા સુધારામા

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ

પાંચ દિવસની સળંગ નરમાઈ બાદ સેન્સેક્સ શુક્રવારે ૨૬૦ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૭૨,૬૬૪ થયો છે. નિફ્ટી ૯૮ પૉઇન્ટ વધી ૨૨,૦૫૫ રહ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૭૧ પૉઇન્ટના ગૅપ-અપ ઓપનિંગમાં ૭૨,૪૭૫ ખૂલ્યા પછી નીચામાં ૭૨,૩૬૬ અને ઉપરમાં ૭૨,૯૪૬ થયો હતો. તક્નિકી સુધારામાં બજારને બ્રૉડર સપોર્ટ મળી જતાં માર્કેટ બ્રેડ્થ સારી રહી છે. એનએસઈમાં વધેલા ૧૪૨૧ શૅર સામે ૮૦૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૨૧ લાખ કરોડ વધી હવે ૩૯૬.૫૬ લાખ કરોડે પહોંચ્યું છે. આઇટી ઇન્ડેક્સ ૦.૯ ટકા, રિયલ્ટી બેન્ચમાર્ક અડધા ટકાથી વધુ તો બૅન્ક નિફ્ટી નહીંવત નરમ હતો. અન્ય તમામ સેક્ટોરલ પ્લસ હતા. મેટલ, એનર્જી, પાવર, યુટિલિટીઝ, ઑઇલ–ગૅસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી જેવા ઇન્ડાઇસિસ એકથી દોઢ ટકો અપ હતા. ઑટો બેન્ચમાર્ક એક ટકો કે ૫૫૩ પૉઇન્ટ આગળ વધ્યો છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૨૧૪ પૉઇન્ટ કે ૧.૬ ટકા અને નિફ્ટી ૪૨૧ પૉઇન્ટ કે ૧.૯ ટકા ઘટ્યા છે, જે બે માસનો સૌથી મોટો વીકલી ઘટાડો છે. બૅન્ક નિફ્ટી સપ્તાહિક ધોરણે ત્રણ ટકાથી વધુ ઘવાયો છે. એફઆઇઆઇએ ગઈ કાલે પણ ૨૧૧૭ કરોડની રોકડી કરી છે.

આઇટીમાં ૬૦માંથી ૨૯ શૅર પ્લસ હતા, પણ હેવીવેઇટ ટીસીએસ દોઢ ટકાથી વધુ તો ઇન્ફી એક ટકો ઘટતાં કુલ ૨૯૭ પૉઇન્ટ ઘટેલા આ બેન્ચમાર્કને આ બે શૅર થકી ૨૩૦ પૉઇન્ટની હાનિ થઈ હતી. ત્રિમાસિક નફો ૨૨૨ ટકા ઊછળી ૧૭,૪૦૭ કરોડને વટાવી ગયો છે. બજારની એકંદર ધારણા ૧.૨૫ લાખ કરોડની આવક અને ૭૦૮૪ કરોડના ત્રિમાસિક નફાની હતી. શૅર પરિણામ પૂર્વ દોઢ ટકાની આગેકૂચમાં ૧૦૪૭ બંધ હતો. એનો ડીવીઆર સવાબે ટકા વધી ૭૦૭ નજીક રહ્યો છે. બૅન્ક ઑફ બરોડાએ બજાર બંધ થવાના ટાંકણે સવાબે ટકાના વધારામાં ૪૮૮૬ કરોડનો નફો, શૅરદીઠ ૭.૬૦ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૧,૫૨૫ કરોડથી થોડીક વધી ૧૧,૭૯૩ કરોડ થઈ છે, પણ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ૩.૩ ટકા હતું એ ઘટી ૩.૧૮ ટકા થયું છે. આના લીધે શૅર ૨૬૭ની ઇન્ટ્રા-ડે હાઈથી પરિણામ બાદ ૨૪૮ બતાવી ૨.૭ ટકા ગગડી ૨૫૬ નીચે ગયો છે. સિપ્લાએ માર્જિનમાં સુધારા સાથે ૭૮ ટકાના વધારામાં ૯૩૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, પણ શૅર પરિણામ બાદ નીચામાં ૧૩૧૭ થઈ દોઢ ટકા નજીકના ઘટાડે ૧૩૩૯ બંધ આવ્યો છે.

બૅન્કિંગના ૪૧માંથી ૨૯ શૅર વધ્યા, હેવીવેઇટનો સાથ ન મળ્યો
બૅન્કિંગના ૪૧માંથી ૨૯ શૅર ગઈ કાલે પ્લસ હતા, પરંતુ કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક, બીઓબી જેવા હેવીવેઇટ્સનો સપોર્ટ ન મળતાં બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારા વચ્ચે ૬૭ પૉઇન્ટ ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅર પ્લસમાં આપી નજીવો નરમ હતો. સ્ટેટ બૅન્ક તગડા પરિણામની અસરમાં વર્ષમાં ૧૦૦૦ થવાના બ્રોકરેજ હાઉસના વર્તારા વચ્ચે ગઈ કાલે સામાન્ય ઘટાડે ૮૧૬ રહી છે. કોટક બૅન્ક પોણો ટકા અને એચડીએફસી બૅન્ક પોણો ટકા નરમ હતી. જનસ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક ૩.૯ ટકાની તેજીમાં ૬૫૬ થઈ છે. સૂર્યોદય બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, પીએનબી, બંધન બૅન્ક, ડીસીબી બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, ફેડરલ બૅન્ક, આરબીએલ બૅન્ક, ઉજ્જીવન બૅન્ક સવાથી પોણાત્રણ ટકા વધી હતી. બૅન્ક ઑફ બરોડા અઢી ટકા કપાઈ છે.

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૯માંથી ૧૦૨ શૅરના સથવારે નજીવો સુધર્યો છે. આઇઆઇએફએલ સિક્યૉ. સવાછ ટકા અને આઇઆઇએફએલ ફાઇનૅન્સ સવાપાંચ ટકાની મજબૂતી સાથે મોખરે હતા. એડલવીસ ૫.૮ ટકા વધી ૭૭ થઈ છે. પેટીએમ પાંચ ટકાના જમ્પમાં ૩૫૦ નજીક જઈ ત્યાં જ બંધ હતી. કેપ્રિ ગ્લોબલ ૪.૮ ટકા ઊંચકાઈ ૨૩૩ હતી. રોકડામાં ૨૦,૦૦૦થી વધુની લોન નહીં આપવાના રિઝર્વ બૅન્કના ફરમાન બાદ આગલા દિવસે ગોલ્ડ લોન કંપનીના શૅર ખરડાયા હતા. ગઈ કાલે બાઉન્સ થયા છે. મન્નપ્પુરમ ફાઇનૅન્સ ૫.૩ ટકા, મુથૂટ ફાઇનૅન્સ ચાર ટકા, મુથૂટ કૅપિટલ પોણાબે ટકા, મુથૂટ માઇક્રોફીન ૧.૭ ટકા વધી હતી. પિરામલ એન્ટર રિવર્સ મર્જરની જાહેરાતમાં નવ ટકાની ખુવારી પછી વળતા દિવસે પોણાચાર ટકા વધી ૮૪૮ થયો છે. આદિત્ય બિરલા કૅપિટલ ૩.૨ ટકા, સેન્ટ્રમ કૅપિટલ ૪.૫ ટકા મજબૂત હતી. બીએસઈ લિમિટેડ બેહતર પરિણામ પછી નરમાઈ આગળ ધપાવતાં નીચામાં ૨૬૪૦ થઈ સવાબે ટકા ઘટીને ૨૬૫૦ રહ્યો છે. એમસીએક્સ દોઢ ટકા સુધર્યો છે. એલઆઇસી એક ટકો વધી ૯૧૧ બંધ હતો. પૉલિસી બાઝાર ૨.૪ ટકા ઘટી ૧૧૯૭ થયો છે.

તાતા મોટર્સનાં ટનાટન પરિણામ શૅરમાં નવી ટૉપ બનાવશે

મોદીજીના મનોવિક્ષેપના આઘાતમાં ગુરુવારે ઘવાયા પછી વળતા દિવસે અદાણી-અંબાણીના શૅરો બહુધા ધીમા સુધારામાં હતા. રિલાયન્સ દોઢા વૉલ્યુમે એક ટકો સુધરી ૨૮૧૫ હતી. રિલાયન્સના અન્ય શૅરમાં નેટવર્ક-૧૮ સવા ટકો, જિયો ફાઇનૅન્સ પોણો ટકો, રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા અડધો ટકો, ટીવી-૧૮ સવા ટકો, જસ્ટ ડાયલ ૧.૪ ટકા, હૅથવે કેબલ્સ પોણાબે ટકા, સ્ટર્લિંગ વિલ્સન પોણો ટકો, લોટસ ચૉકલેટ ૧.૪ ટકા પ્લસ થઈ છે. મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈનની જયકૉર્પ દોઢેક ટકો વધી ૨૯૩ વટાવી ગઈ હતી. અદાણી ગ્રુપમાં ફ્લૅગશિપ અદાણી એન્ટર સવા ટકા જેવા સુધારે ૨૭૯૯ દેખાઈ છે. અદાણી પોર્ટ્સ સવાબે ટકા નજીક, અદાણી એનર્જી ૧.૨ ટકા, અદાણી વિલ્મર અડધો ટકો, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો, સાંધી ઇન્ડ એક ટકો તો એનડીટીવી નહીંવત વધી છે. સામે અદાણી પાવર દોઢ ટકાથી વધુ, અદાણી ટોટલ ૧.૪ ટકા, એસીસી સવાબે ટકા બગડી છે. અદાણી ગ્રીન આગલા ૧૭૧૪ નજીકના લેવલે ફ્લૅટ રહી છે. મોનાર્ક નેટવર્થ એક ટકો અને ક્વિન્ટ ડિજિટલમાં ૪ ટકાની ખરાબી જોવાઈ છે. પતંજલિ ફૂડ્સ પોણો ટકો સુધરી ૧૩૬૬ નજીક ગઈ છે. સુભાષ ગોયેલની ઝી એન્ટર અડધો ટકો ઘટી ૧૩૧ હતી. ઝી મીડિયા સવાનવ ટકા ઊછળી છે.

તાતા મોટર્સે બજાર બંધ થયા પછી ધમાકેદાર પરિણામ જાહેર કર્યાં છે. આવક ૧૩ ટકા વધી ૧.૨૦ લાખ કરોડ નજીક આવી છે સામે ત્રિમાસિક નફો ૨૨૨ ટકા ઊછળી ૧૭,૪૦૭ કરોડને વટાવી ગયો છે. બજારની એકંદર ધારણા ૧.૨૫ લાખ કરોડની આવક અને ૭૦૮૪ કરોડના ત્રિમાસિક નફાની હતી. શૅર પરિણામ પૂર્વે દોઢ ટકાની આગેકૂચમાં ૧૦૪૭ બંધ હતો. એનો ડીવીઆર સવાબે ટકા વધી ૭૦૭ નજીક રહ્યો છે. બૅન્ક ઑફ બરોડાએ બજાર બંધ થવાના ટાંકણે સવાબે ટકાના વધારામાં ૪૮૮૬ કરોડ નફો, શૅરદીઠ ૭.૬૦ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૧,૫૨૫ કરોડથી થોડીક વધી ૧૧,૭૯૩ કરોડ થઈ છે, પણ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ૩.૩ ટકા હતું એ ઘટી ૩.૧૮ ટકા થયું છે. આના લીધે શૅર ૨૬૭ની ઇન્ટ્રા-ડે હાઈથી પરિણામ બાદ ૨૪૮ બતાવી ૨.૭ ટકા ગગડી ૨૫૬ નીચે ગયો છે. સિપ્લાએ માર્જિનમાં સુધારા સાથે ૭૮ ટકાના વધારામાં ૯૩૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, પણ શૅર પરિણામ બાદ નીચામાં ૧૩૧૭ થઈ દોઢ ટકા નજીકના ઘટાડે ૧૩૩૯ બંધ આવ્યો છે.

હિન્દુસ્તાન ઝિન્ક તગડા ઉછાળા સાથે ૨.૩૩ લાખ કરોડ રૂપિયાની કંપની બની

પૉઝિટિવ ચાઇનીઝ ડેટાના પગલે જસતના ભાવમાં કરન્ટ આવ્યો છે, ચાંદી પણ મજબૂત વલણમાં છે. સરવાળે હિન્દુસ્તાન ઝિન્ક ૪ ગણા વૉલ્યુમ સાથે ૫૪૧ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૫.૭ ટકાની તેજીમાં ૫૨૮ બંધ રહી છે. વેદાન્ત ગ્રુપનો આ શૅર મહિનામાં ૨૭ ટકા અને ત્રણ માસમાં ૬૪ ટકા વધી ગયો છે. વેદાન્ત ખુદ ચાર ટકાની મજબૂતીમાં ૪૧૧ હતી. અન્ય મેટલ શૅરમાં સેઇલ ૨.૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ અઢી ટકા, જિંદલ સ્ટીલ એક ટકા, હિન્દુસ્તાન કૉપર ૪.૨ ટકા, નાલ્કો ૨.૧ ટકા, હિન્દાલ્કો ૧.૪ ટકા વધ્યા હતા. ઇન્ડસ્ટ્રિયલ મિનરલ્સ સેગમેન્ટમાં સધર્ન મૅગ્નેશિયમ દોઢ ટકા વધી ૨૯૨ થયો છે, ૨૩ મેએ વર્ષ પૂર્વે ૫૮ના તળિયે હતો. નાઇલ લિમિટેડ સવા ટકો વધી ૧૩૧૨ રહી છે. મોઇલ પાંખા કામકાજે અઢી ટકા વધી ૪૧૦ હતી.

ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ આગલા દિવસના સાડાત્રણ ટકાના ધબડકા બાદ ૧.૪ ટકા કે ૩૭૮ પૉઇન્ટ વધ્યો છે. ભારત પેટ્રોલિયમે સારા પરિણામ બાદ શૅરદીઠ એક બોનસ જાહેર કરતાં ભાવ ૪.૪ ટકા વધી ૬૧૮ બંધ થતાં અત્રે ૧૫૦ પૉઇન્ટ પ્રદાન કર્યા હતા. બે શૅરદીઠ એક બોનસ જાહેર કરનાર હિન્દુસ્તાન પેટ્રોલિયમ આગલા દિવસના ચાર ટકાના ધબડકા પછી ગઈ કાલે નામજોગ સુધરી ૫૦૧ રહ્યો છે. ઓએનજીસી પોણાબે ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ સવા ટકો, ઇન્ડિયન ઑઇલ દોઢ ટકા પ્લસ હતા. એનર્જી સેગમેન્ટમાં તમામ ૩૦ શૅરના ધબડકામાં ઇન્ડેક્સ ગુરુવારે સવાત્રણ ટકા બગડ્યા પછી ગઈ કાલે ૩૦માંથી ૨૧ શૅરના સુધારામાં સવા ટકો વધ્યો હતો. દીપ ઇન્ડસ્ટ્રીઝ છ ટકા ઊંચકાઈને ૩૦૯ના બંધમાં મોખરે હતી. એજીસ લૉજિસ્ટિક્સ ૩.૬ ટકા, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન એક ટકા, કૅસ્ટ્રોલ બે ટકા, ગલ્ફ ઑઇલ પોણાબે ટકા મજબૂત હતી. મહાનગર ગૅસ વધુ ૨.૨ ટકા બગડીને ૧૩૦૧ બંધ આવ્યો છે.

મુંબઈના ખારની સ્લોન ઇન્ફોનું લિસ્ટિંગ ધારણાથી નબળું ગયું
મુંબઈના ખારની સ્લોન ઇન્ફોસિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૭૯ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૪૫ના પ્રીમિયમ સામે શુક્રવારે ૧૧૮ ખૂલી ૧૧૩ નજીક બંધ થતાં અત્રે ૪૨.૫ ટકાનો કે શૅરદીઠ ૩૪ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મેઇન બોર્ડમાં ઇન્ડિજેનનું લિસ્ટિંગ સોમવારે થશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ થોડુંક ઘટી હાલ ૨૭૦ બોલાય છે. આધાર હાઉસિંગનો શૅરદીઠ ૩૧૫ના ભાવનો ૩૦૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૨૭ ગણો અને ટીબીઓ ટેક્નૉ એક રૂપિયાના શૅરદીઠ ૯૨૦ની ઇશ્યુ પ્રાઇસવાળો ૧૫૫૧ કરોડનો આઇપીઓ કુલ ૮૬ ગણો છલકાઈ ગઈ કાલે પૂરો થયો છે.

આધારમાં ૫૯નું અને ટીબીઓમાં ૫૩૫નું પ્રીમિયમ ચાલે છે.

જામનગરની વિન્સોલ એન્જિનિયર્સનો એસએમઈ ઇશ્યુ ૬૮૨ ગણા પ્રતિસાદમાં પૂરો થતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધી ૨૦૦ થઈ ગયું છે. ઇશ્યુ પ્રાઇસ ૭૫ની હતી. કંઈક આવી જ સ્થિતિ મુંબઈના વર્લી ખાતેની ઇન્ડિયન ઇમ્યુલસાઇફરના એસએમઈ આઇપીઓમાં દેખાય છે. ૧૦ના શૅરદીઠ ૧૩૨ની અપરબૅન્ડ સાથેનું ૪૨૩૯ લાખનું આ ભરણું ૧૩ મેએ ખૂલવાનું છે. ગ્રે માર્કેટમાં ૧૫૦થી કામકાજ શરૂ થયા બાદ હાલમાં ૨૦૦નું પ્રીમિયમ બોલાય છે. લીડ મૅનેજર હેમ સિક્યૉ. છે એ અમદાવાદી ટીજીઆઇએફ ઍગ્રી બિઝનેસનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૬૩૯ લાખ રૂપિયાનો બીએસઈ આઇપીઓ ઇશ્યુ કુલ ૩૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં ૧૦ની ધારણા છે. લાગે છે કે હેમનો જાદુ હવે ઓસરવા માંડ્યો છે. અમદાવાદી એનર્જી મિશન મશીનરીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૮ની ઇશ્યુ પ્રાઇસવાળો ૪૧૧૫ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૧ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૧૪૦નું પ્રીમિયમ છે. શુક્રવારે ૪ એસએમઈ ઇશ્યુ ખૂલ્યા છે. પ્રથમ દિવસે ૯૪ની ઇશ્યુ પ્રાઇસવાળી પાયોટેક્સ ઇન્ડ. ૮૦ ટકા, ૬૭ની ઇશ્યુ પ્રાઇસ એઝટેક ફ્લુઇડ ઍન્ડ મશીનરીનો ૪ ગણો, ૧૪૭ની અપરબૅન્ડ સાથે એબીએસ મરીન સર્વિસિસ પોણાબે ગણો અને શૅરદીઠ ૬૭ની અપરબૅન્ડવાળી પ્રીમિયર રોડલાઇન્સનો ઇશ્યુ સવા ગણો ભરાયો છે. ચેન્નઈની એબીએસ મરીનમાં ૧૦૦નું, એઝટેક અને પ્રીમિયરમાં ૩૦નું તથા પાયોટેક્સમાં ૨૦નું પ્રીમિયમ બોલાય છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange