13 August, 2024 07:30 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
હિંડનબર્ગ દર મહિને રિસર્ચ રિપોર્ટ બહાર પાડે તો પણ પાર ન આવે એટલાં હાડપિંજર સિસ્ટમ્સમાં મોજૂદ છે : સુનીલ મિત્તલની બ્રિટિશ ટેલિકૉમ પર નજર, ભારતી ઍરટેલનો શૅર સાધારણ નરમાઈમાં : ઓલા ઇલેક્ટ્રિક બૅક-ટુ-બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં, નાદારીને લીલી ઝંડી મળતાં કૉફી ડેમાં કડાકો : પરિણામ પાછળ વૉલ્ટાસ સાડાદસ ટકા ઊછળ્યો, સનટીવી લથડ્યો : બેવડા નફામાં ડૉમિનોઝ પીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડ નવા શિખરે : એક્સ બોનસ થતાં જીઆરપી લિમિટેડ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં
સોમવારે બજાર પોણાચારસો પૉઇન્ટ જેવું સાધારાણ નરમ ખૂલી ચાર પૉઇન્ટના ઘટાડે ૭૯,૨૨૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ઝડપી બાઉન્સબૅકમાં ઉપરમાં ૮૦,૧૦૬ વટાવી ગયું ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે હિંડનબર્ગનો નવો હુમલો બેઅસર રહેશે અને એ પ્રમાણે જ સેન્સેક્સ છેવટે ૬૦ પૉઇન્ટની પરચૂરણ પીછેહઠમાં ૭૯,૬૪૮ તથા નિફ્ટી ૨૦ પૉઇન્ટ ઘટી ૨૪,૩૪૭ બંધ થયાં છે. બજારનું માર્કેટકૅપ ૩૯,૦૦૦ કરોડના ઘટાડે ૪૪૯.૮૩ લાખ કરોડ રહ્યું છે. માર્કેટ બ્રેડ્થ નહીંવત નેગેટિવ બાયસમાં રહેતાં NSE ખાતે વધેલા ૧૧૩૬ શૅર સામે ૧૨૬૭ જાતો ઘટી છે. બન્ને બજારના બહુમતી ઇન્ડાઇસ સુધર્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો વધી મોખરે હતો. ઑઇલ-ગૅસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તથા નિફ્ટી મેટલ અડધો-પોણો ટકો પ્લસ હતા. સામે નિફ્ટી મીડિયા બે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, યુટિલિટીઝ એક ટકો, પાવર બેન્ચમાર્ક અડધો ટકો નરમ હતા.
હિંડનબર્ગના નવા અટૅકની લગભગ કોઈ અસર અત્યારે બજાર પર ભલે ન દેખાઈ હોય, પરંતુ આ સમગ્ર પ્રકરણની અસર દૂરગામી રહેવાની છે. હિંડનબર્ગનો પ્રથમ રિપોર્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં પ્રસિદ્ધ થયો ત્યારે એમાં જે સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા એ આજે પણ અનુત્તર રહ્યા છે. અદાણીના શૅરોમાં ઑફશૉર ફન્ડ્સની માયાજાળ મારફત જે રોકાણ આવ્યું એનાં નાણાં ખરેખર ક્યાંથી આવ્યાં હતાં? આ નાણાંના જોરે અદાણીના શૅરોના ભાવો જે રીતે ચગાવવામાં આવ્યા એનો વાસ્તવિક લાભ કોને મળ્યો? અદાણી જેના પર હાથ મૂકે છે એ વસ્તુ તરત જ વિના વિઘ્ને તેની માલિકીની કેવી રીતે બની જાય છે? તાજો કિસ્સો છે રેડિયસ એસ્ટેટ. મુંબઈની આ રિયલ્ટી કંપનીને અદાણી ઑનલાઇન તરફથી ખરીદવામાં આવી, કેટલામાં ખબર છે? માત્ર ૭૬ કરોડમાં. આ કંપની નાદાર હતી, માથે ૨૮૩૪ કરોડનું દેવું હતું, પણ ICICI લોમ્બાર્ડ, HDFC, યસ બૅન્ક સહિતના લેણિયાત બૅન્કરોએ માત્ર ૭૬ કરોડ લઈ અદાણી શેઠને કંપની આપી દીધી, ૯૬ ટકાનો હેરકટ. આવું ડિસ્કાઉન્ટ બૅન્કો આપણને કેમ આપતી નથી યાર? હિંડનબર્ગનો બીજો રિપોર્ટ છેક દોઢ વર્ષે આવ્યો, પરંતુ ખરેખર તો હિંડનબર્ગ દર મહિને આવા રિપોર્ટ પ્રસિદ્ધ કરતી રહે તો પણ પાર ન આવે એટલાં બધાં હાડપિંજર સમગ્ર સિસ્ટમ્સમાં મોજૂદ છે.
ઓએનજીસી નવા બેસ્ટ લેવલ સાથે નિફ્ટીમાં ટૉપ ગેઇનર
સુનીલ મિત્તલના ભારતી ગ્રુપની ઇન્ટરનૅશનલ ઇન્વેસ્ટમેન્ટ કંપની ભારતી ગ્લોબલ બ્રિટિશ ટેલિકૉમ જાયન્ટ બીટી ગ્રુપમાં ૨૪.૫ ટકા હિસ્સો હસ્તગત કરવા સક્રિય બની હોવાના અહેવાલ છે. જોકે ભારતી ઍરટેલનો શૅર સાધારણ ઘટી ૧૪૫૯ બંધ થયો છે. ગ્રુપ કંપની ભારતી હેક્સાકૉમ બે ટકા વધી ૧૧૫૨ તો ઇન્ડ્ટાવર નહીંવત સુધારે ૪૧૬ નજીક હતો. ONGC ૩૪૫ના બેસ્ટ લેવલે જઈ અઢી ટકા વધી ૩૪૧ના બંધમાં નિફ્ટી ખાતે તો ઍક્સિસ બૅન્ક પોણાબે ટકા વધી સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યા છે. ઇન્ફી અને JSW સ્ટીલ દોઢ ટકો, હીરો મોટોકૉર્પ બે ટકા, ડિવીઝ લૅબ સવા ટકો, હિન્દાલ્કો એક ટકો અપ હતા. NTPC ૨.૪ ટકાના ઘટાડે અને અદાણી પોર્ટ્સ બે ટકા બગડી બન્ને બજારમાં ઘટવામાં અગ્રક્રમ હતા. મહિન્દ્ર, નેસ્લે, પાવર ગ્રીડ, સ્ટેટ બૅન્ક, બ્રિટાનિયા, અપોલો હૉસ્પિટલ્સ, તાતા કન્ઝ્યુમર, SBI લાઇફ, અદાણી એન્ટર, કોલ ઇન્ડિયા એકથી પોણાબે ટકા ડાઉન થયા છે. રિલાયન્સ એક ટકા નજીકના ઘટાડે ૨૯૨૧ હતો. વૉલ્ટાસ પરિણામ પાછળ સાડાદસ ટકા ઉછળ્યો છે. આઇનોક્સ વિન્ડ ૧૯ ટકા તો આઇનોક્સ ગ્રીન ૧૧.૭ ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપમાં ઝળક્યા છે. સનટીવી નબળાં રિઝલ્ટ પાછળ સાડાદસ ટકા ધોવાયો છે.
વૉકહાર્ટ ખોટ ઘટવાની ખુશાલીમાં જાન્યુઆરી ૨૦૧૬ના શિખરે
ભરૂચના અંકલેશ્વર ખાતેની જીઆરપી લિમિટેડ એક શૅરદીઠ ત્રણ બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ઉપરમાં ૩૭૬૮ થઈ છેલ્લે પાંચ ટકા ઊછળીને ત્યાં જ બંધ આવ્યો છે. નવેમ્બર ૧૯૯૧ પછી કંપનીનું આ બીજું બોનસ છે. મિલ્ક ફૂડ શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના ૫ રૂપિયામાં વિભાજનમાં મંગળવારે એકસ બોનસ તથા એક્સ સ્પ્લિટ થશે. શૅર અડધો ટકો સુધરીને ૭૮૧ રહ્યો છે. EIH અસોસિએટ્સ હોટેલ્સ શૅરદીઠ એક બોનસમાં ૧૩મીએ એક્સ બોનસ થવાની છે. શૅર ૧૨.૬ ટકા ઊછળી ૯૮૭ની ટૉપે બંધ થયો છે. સોલાપુરની જામશ્રી રિયલ્ટી ૧૦૦૦ની ફેસવૅલ્યુવાળા શૅરના ૧૦મા વિભાજનમાં ૧૬મીએ એક્સ સ્પ્લિટ થશે. શૅર બે ટકાની ઉપલી સર્કિટમાં ગઈ કાલે ૨૧,૫૬૦ નજીકના શિખરે બંધ આવ્યો છે. ભાવ વર્ષ પૂર્વે ૩૫૦૦ હતો. ક્લોઝલી હેલ્ડ કંપની છે. પ્રમોટર્સ પાસે ૭૩.૬ ટકા માલ છે. કંપનીએ ગયા વર્ષે પાંચ કરોડ જેવી આવક પર ત્રણ કરોડથી વધુની ખોટ કરી છે. વાત અહીં જ નથી અટકતી. સતત ખોટના કારણે હાલ કંપનીની બુકવૅલ્યુ માઇનસ ૧૧૨૭ રૂપિયા બોલે છે. ઓરિએન્ટ ગ્રીન પાવર ૧૦ના શૅરદીઠ ૧૩ના ભાવે ૫૧ શૅરદીઠ ૧૦ના પ્રમાણમાં રાઇટમાં ૧૩મીએ એક્સ રાઇટ થશે. શૅર ગઈ કાલે સુધરીને ૨૩.૭૭ હતો. ૨૬ ઑક્ટોબરે અહીં ૧૨નું બૉટમ બન્યું હતું.
CDSL દ્વારા શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ-ડેટ ૨૪ ઑગસ્ટ નક્કી કરાઈ છે. શૅર ગઈ કાલે ૨૬૬૮ની ટોચે જઈ ૨૫૭૪ બંધ હતો ઑરબિંદો ફાર્માનો નફો ૬૧ ટકા વધી ૯૧૯ કરોડ આવતાં શૅર ઉપરમાં ૧૪૮૭ થઈ સવા ટકો વધી ૧૪૬૪ રહ્યો છે. વૉકહાર્ટની ત્રિમાસિક ખોટ ૧૩૬ કરોડથી ઘટી આ વખતે ૧૬ કરોડ રહી છે. શૅર ૨.૮ ટકા વધી ૯૮૩ના શિખરે બંધ જોવાયો છે. શિપિંગ કૉર્પોનો નેટ પ્રૉફિટ ૭૦ ટકા વધીને ૨૯૨ કરોડ નોંધાયો છે. શૅર સાત ટકાની તેજીમાં ૨૭૫ થયો હતો. ડૉમિનોઝ પીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો બેવડાઈ ૪૫ કરોડ થયો છે. શૅર આઠ ટકા ઊછળી ૬૪૭ની ટોચે ગયો છે.
અદાણીના શૅર પ્રારંભિક ખરાબી બાદ બેઠા થયા, નુવામા ૧૮૮ ડાઉન
હિંડનબર્ગના નવા હુમલાની અસરમાં અદાણીના શૅર પ્રારંભિક ખરાબી બાદ નીચલા મથાળેથી સારો એવો સુધારો દાખવી એકંદર સામાન્ય ઘટાડે બંધ થયા છે. અદાણી એન્ટર નીચામાં ૩૦૧૪ની અંદર જઈ અંતે દોઢ ટકો ઘટી ૩૧૪૨, અદાણી પોર્ટ્સ ૧૪૫૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સવાબે ટકા ઘટી ૧૪૯૮, અદાણી પાવર ૬૧૯ની દિવસની નીચી સપાટી નોંધાવી એક ટકો ઘટીને ૬૮૭, અદાણી એનર્જી ૯૧૬ની અંદર જઈ છેવટે ૩.૫ ટકા બગડી ૧૦૬૫, અદાણી ટોટલ ૭૫૩ થયા બાદ ૪.૧ ટકા ખરડાઈ ૮૩૪, અદાણી વિલ્મર ૩૬૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ચાર ટકા ગગડી ૩૭૦, એસીસી ૨૨૯૩ થઈ એક ટકાના ઘટાડે ૨૩૨૮, એનડીટીવી નીચામાં ૧૮૬ થઈ બે ટકાની ખરાબીમાં ૨૦૫ તો સાંધી ઇન્ડ. પોણાબે ટકાના ઘટાડે ૯૦ બંધ થયો છે. અંબુજા સિમેન્ટ નીચામાં ૬૧૬ થયા બાદ બાઉન્સબૅકમાં ૬૪૧ નજીક જઈ અડધો ટકો વધી ૬૩૬ રહ્યો છે. તો અદાણી ગ્રીન ૧૭૮૦ના આગલા બંધ સામે ખરાબીમાં ૧૬૫૬ ખૂલી તગડા બાઉન્સબૅકમાં ૧૮૧૬ થઈને સહેજ સુધારામાં ૧૭૮૪ બંધ આવ્યો છે. આ પ્રકરણમાં જેનું નામ ઊછળ્યું છે એ ૩૬૦ વનવામ નીચામાં ૯૯૮ની અંદર જઈ ૧૦૪૬ વટાવી એક ટકો ઘટી ૧૦૨૨ બંધ હતો. IIFL ફાઇનૅન્સ સવા ટકો ઘટ્યો છે. નુવામા વેલ્થ મૅનેજમેન્ટ ત્રણ ટકા તૂટી ૬૧૪૫ હતો. મોનાર્ક નેટવર્થ ૬૭૫ થયા બાદ ૬૯૬ ઉપર ફ્લૅટ રહ્યો છે. કોટક મહિન્દ્ર બૅન્ક ૧૭૫૩ ખૂલી સાધારણ વધીને ૧૭૭૫ હતો.
દરમ્યાન નીરસ લિસ્ટિંગ બાદ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહેલો ઓલા ઇલેક્ટ્રિક ગઈ કાલે પણ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૦૯ વટાવી ત્યાં જ બંધ આવ્યો છે. એનક્લેટ તરફથી નાદારીની પ્રક્રિયા માટે લીલી ઝંડી આપવામાં આવતાં કૉફી ડે એન્ટર ૧૪ ગણા વૉલ્યુમે ૧૪.૬ ટકા તૂટી ૪૦ રહ્યો છે.
ફર્સ્ટક્રાય આજે લિસ્ટિંગમાં જશે, પ્રીમિયમ ઊછળી ૮૪ થયું
મેઇન બોર્ડમાં ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબિઝ સૉલ્યુશન્સ તથા યુનિકૉમર્સ ઇ-સૉલ્યુશન્સ આજ, મંગળવારે લિસ્ટિંગમાં જશે. ફર્સ્ટક્રાયમાં QIBના જોરમાં ભરણું સારી રીતે ભરાઈ ગયા પછી ૨૦વાળું પ્રીમિયમ ઊછળી ૭૩ થયા પછી હાલમાં ૮૪ જેવું છે. યુનિકૉમર્સમાં ભરણાને સારો પ્રતિસાદ મળતાં નીચામાં ૨૫ થયેલું પ્રીમિયમ વધતું રહી ઉપરમાં ૭૦ થયા બાદ અત્યારે ૬૯ આસપાસ છે. ત્યાર બાદ આ સપ્તાહે શુક્રવારે SME કંપની એસ્થેટિક એન્જિનિયર્સનું લિસ્ટિંગ થવાનું છે. પ્રીમિયમ ૩૬ રૂપિયા ચાલે છે.
ગઈ કાલે કોલ્હાપુરની સરસ્વતિ સાડી ડેપો ૧૦ના શૅરદીઠ ૧૬૦ની અપર બૅન્ડમાં ૧૬૦ કરોડનો આઇપીઓ લાવી છે જેમાંથી ૫૬ કરોડ પ્રમોટર્સ ઑફર ફૉર સેલ મારફત ઘરભેગા કરવાના છે. ભરણું પ્રથમ દિવસે કુલ ૪.૪ ગણું ભરાયું છે. ગ્રે માર્કેટમાં ૨૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૬૫ થઈ હાલ ત્યાં જ બોલાય છે. આ સાથે ગુજરાતની કંપનીઓના એસએમઇ ઇશ્યુ પણ ગઈ કાલે ખૂલ્યા છે. ગાંધીનગરની પોસિટ્રોન એનર્જીનો ૧૦ના શૅરદીઠ ૨૫૦ની અપર બૅન્ડવાળો ૫૧૨૧ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧૯.૪ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૧૫૦વાળું પ્રીમિયમ હાલ ૨૦૦ થયું છે. કંપની ઑઇલ-ગૅસ ઇન્ડસ્ટ્રીમાં મૅનેજમેન્ટ તેમ જ ટેક્નિકલ ઍડ્વાઇઝરી સર્વિસિસ પૂરા પાડે છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૮૨થી ૮૯ પૈસાની છે. તો ખેડાની સનલાઇટ રીસાઇક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપર બૅન્ડ સાથે ૩૦૨૪ લાખનો ઇશ્યુ કુલ ૮.૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૨૫ જેવું છે. ચેતના એજ્યુ.ના આઇપીઓ પછી હેમ સિક્યુ.ની ઇમેજનું મોટા પાયે જે ધોવાણ થયું છે એ જોતાં આ ભરણામાં એનો જાદુ ચાલવો મુશ્કેલ દેખાય છે. કંપનીનું દેવું ૩૫ કરોડ જેટલું ઊંચું છે.