પસંદગીયુક્ત હેવી વેઇટ્સના સથવારે સેન્સેક્સ ૫૯૯ પૉઇન્ટ અપ, ચાર દિવસની ખરાબી અટકી

20 April, 2024 09:39 AM IST  |  Mumbai | Anil Patel

ઇઝરાયલી અટૅકમાં નબળા ઓપનિંગ બાદ પોણાછસો પૉઇન્ટ ઘટેલો સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૩૯૪ પૉઇન્ટ ઊંચકાયો : બજાર ૫૯૯ પૉઇન્ટ વધીને બંધ રહેવા છતાં માર્કેટ કૅપ માત્ર ૫૬,૦૦૦ કરોડ રૂપિયા વધ્યું : સર્વાંગી સારાં પરિણામ પછી બજાજ ઑટો લથડીને નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇઝરાયલ તરફથી ઈરાન પર વળતો પ્રહાર કરાયાના અહેવાલમાં શુક્રવારે એશિયા, યુરોપનાં તમામ અગ્રણી શૅરબજાર ખરડાયાં છે. તાઇવાન ચાર ટકા, થાઇલૅન્ડ સવાબે ટકા, જૅપનીઝ નિક્કેઈ પોણાત્રણ ટકા, સાઉથ કોરિયા પોણાબે ટકા, ઇન્ડોનેશિયા તથા હૉન્ગકૉન્ગ એક ટકો લથડ્યા છે. ક્રૂડ પ્રારંભિક રિસ્પૉન્સમાં ચારેક ટકા વધી ગયા બાદ રનિંગમાં અડધા ટકાના ઘટાડે ૮૭ ડૉલરની અંદર ચાલી ગયું હતું. સમગ્ર મામલો છમકલાની સ્થિતિમાં ફેરવાઈ જવાની ગણતરી કામે લાગી છે. એના પરિણામે યુરોપ રનિંગમાં અડધાથી પોણો ટકો નીચે રહ્યું છે. ઘરઆંગણે સેન્સેક્સ ૪૯૦ પૉઇન્ટની નરમાઈમાં ૭૨,૦૦૦ની અંદર ખૂલી નીચામાં ૭૧,૮૧૬ થઈ ક્રમશઃ મજબૂતીમાં ૭૩,૨૧૦ બતાવી છેવટે ૫૯૯ પૉઇન્ટ ઊંચકાઈ ૭૩,૦૮૮ બંધ આવ્યો છે. નિફ્ટી ૧૫૧ પૉઇન્ટ વધી ૨૨,૧૪૭ થયો છે. આ સાથે સળંગ ૪ દિવસની નરમાઈને બ્રેક લાગી છે.

ઇન્ટ્રા-ડેમાં પોણાછસો પૉઇન્ટ ઘટ્યા પછી બજાર ૧૩૯૪ બાઉન્સબૅક થઈ ૫૯૯ પૉઇન્ટ વધ્યું એ માટે શૉર્ટ-ક્વરિંગ કારણભૂત ગણાવાય છે. જોકે ગઈ કાલનો સમગ્ર સુધારો ઉપર છલ્લો છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે. NSEમાં વધેલા ૯૯૦ શૅર સામે ૧૨૧૬ જાતો ઘટી છે. માર્કેટ છસો પૉઇન્ટ જેવું વધવા છતાં બજારનું માર્કેટ કૅપ માત્ર ૫૬,૦૦૦ કરોડ રૂપિયા જ વધ્યું છે. આંતરપ્રવાહ હજી પણ ડામાડોળ કે ખરાબે ચડેલો છે. આ તો છ સપ્તાહનો જે ઇલેક્શન શો શરૂ થયો છે એના રંગમાં ભંગ ન પડે એવી પાકી ગોઠવણનો એક ભાગ છે.

ક્રૂડની મજબૂતીમાં ઑઇલ શૅર નરમ, સવિતા ઑઇલ નવા શિખરે

અખાતમાં નવા ઉત્પાતના પગલે ઑઇલ ગૅસ શૅરોમાં માનસ ઢીલું પડ્યુ છે ત્યારે આઇઆઇએમ એનર્જી ગઈ કાલે ૨૨ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૫૮ વટાવી ત્યાં જ બંધ રહી એની નવાઈ છે. કંપની ગુજરાત અને પંજાબના કેટલાક વિસ્તારમાં ઘરગથ્થુ તેમ જ ઔદ્યૌગિક ગ્રાહકોને ગૅસ સપ્લાય કરે છે. આ સેગમેન્ટમાં ભારત પેટ્રો, આઇઓસી, હિન્દુ. પેટ્રો જેવી સરકારી કંપનીઓની તીવ્ર સ્પર્ધા છે. એલપીજીના ભાવ પર સરકારનું નિયંત્રણ છે. પીએનજી પાઇપ્ડ નૅચરલ ગૅસના વપરાશ ભણી ઝોક વધી રહ્યો છે. એટલે બિઝનેસ મૉડલમાં ખાસ દમ નથી. ઉછાળાને એ​ક્ઝિટની તક માનવી. ગઈ કાલે ક્રૂડના ભાવ ઇઝરાયલી અટૅકના અહેવાલે ૪ ટકા ઊછળ્યા બાદ પાછા પડ્યા હતા. આમ છતાં ગમે ત્યારે સ્પાઇક આવી શકે છે. સરવાળે તેલ કંપનીઓના શૅર શરૂઆતની નોંધપાત્ર નબળાઈ પછી કળ વળવા છતાં ઘટાડે બંધ થયા છે. આઇઓસી ૧.૪ ટકા, ભારત પેટ્રો પોણો ટકા, ગેઇલ પોણો ટકા, જીએસપીએલ ૧.૭ ટકા, ગુજરાત ગૅસ એક ટકા, મહાનગર ગૅસ પોણો ટકો ઘટી છે. હિન્દુ. પેટ્રોલિયમ નીચામાં ૪૫૭ થયા બાદ ૪૭૭ના લેવલે ફ્લૅટ રહી છે. ઓએનજીસી સાધારણ પ્લસ હતો. ઑઇલ ઇન્ડિયા અડધો ટકો ઘટી ૬૦૦ થયો છે. લુબ્રિકન્ટ્સ કંપની સવિતા ઑઇલ અઢી ગણા કામકાજે ૬૦૨ની ટોચે જઈ સાડાસાત ટકા ઊંચકાઈ ૫૯૨ હતી. જિંદાલ ડ્રિલિંગ ત્રણ ટકાની મજબૂતીમાં ૭૬૫ થઈ છે. હિન્દુ. ઑઇલ એક્સ્પ્લોરેશન ત્રણ ટકા અપ હતી. એમઆરપીએલ ૧.૭ ટકા તથા ચેન્નઈ પેટ્રો સવા ટકો પ્લસ થઈ છે.

પાવર કૅપિટલ ગુડ્સ સેગમેન્ટની થર્મેક્સ સવાયા વૉલ્યુમે તેજીની આગેકૂચમાં ૪૮૭૮ થઈ એક ટકો વધી ૪૭૮૮ના બેસ્ટ લેવલે બંધ આવી છે. સુઝલોન સવાચાર ટકા કપાઈ છે. રિલાયન્સ ઇન્ફ્રા સવાત્રણ ટકા ગગડી ૧૮૮ થઈ છે. વારિ રિન્યુએબલ ઉપલી સર્કિટે ૨૩૮૬ની ઑલટાઇમ હાઈ બાદ પોણાપાંચ ટકા વધી ૨૩૮૦ હતી. 

બજાજ ઑટોનાં બહેતર પરિણામ બેકાર ગયાં, શૅર ગગડ્યો

પરિણામ ખરાબ આવે કે પછી સારાં આવે, પણ શૅરના ભાવમાં ઘટાડો આજકાલ નિયમ બની ગયો લાગે છે. ધારણા કરતાં સારાં રિઝલ્ટ આપનાર ટીસીએસ સતત ચોથા દિવસની નરમાઈમાં એક ટકો ઘટી ૩૮૨૭ રહ્યો છે તો ઇન્ફોસિસે એકંદર ગણતરી કરતાં ઓછી નબળી કામગીરી દર્શાવી હોવા છતાં ભાવ ગઈ કાલે ૧૩૮૦ની અંદર જઈ અડધા ટકાથી વધુની નબળાઈમાં ૧૪૧૨ની ચાર માસની નીચી સપાટીએ બંધ હતો. બજાજ ઑટોએ નફામાં ૩૫ ટકાના ઉછાળા સાથે સર્વાંગી સારો દેખાવ કર્યો છે, પણ શૅર ગઈ કાલે પાંચ ગણા વૉલ્યુમે નીચામાં ૮૭૦૦ થઈ અઢી ટકા કે ૨૧૯ના ગાબડામાં ૮૭૯૯ થયો છે. બ્રોકિંગ ફર્મ પ્રભુદાસ લીલાધરવાળાએ તો ઊંચા વૅલ્યુએશનનું કારણ આપી ૭૨૬૭ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ કરી દીધી છે.

રિલાયન્સનાં રિઝલ્ટ સોમવારે છે. શૅર નીચામાં ૨૮૮૭ અને ઉપરમાં ૨૯૪૭ થઈ અડધો ટકો સુધરી ૨૯૪૧ બંધ આવ્યો છે. વૉલ્યુમ બમણું હતું. વિપ્રો પરિણામ પહેલાં બે ટકા વધી ૪૫૩ નજીક બંધ હતો. કંપનીએ ૮ ટકાના ઘટાડામાં ૨૮૩૫ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. જે ૨૭૪૮ કરોડની એકંદર ધારણાથી સારો છે. આવક ૨૨,૧૧૭ કરોડની અપેક્ષા સામે ૨૨,૨૦૮ કરોડ રહી છે આઇટીસીની પૂર્ણ માલિકીની સબસીડિયરી આઇટીસી ઇન્ફોટેક દ્વારા પૂણે ખાતેની બ્લેઝક્લેન ટેક્નૉ.ને ૪૮૫ કરોડમાં હસ્તગત કરવામાં આવી છે. આઇટીસી બમણા કામકાજે દોઢ ટકો વધીને ૪૨૫ બંધ રહી છે. પાવરગ્રીડમાં ગોલ્ડમૅન સાક્સે ૩૫૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે લેવાની ભલામણ કરી છે. શૅર અડધો ટકો વધી ૨૮૨ હતો. મારુતિ અઢી ટકા કે ૩૧૪ રૂપિયા અને મહિન્દ્ર ત્રણેક ટકા વધતાં સેન્સેક્સને કુલ ૮૭ પૉઇન્ટનો ફાયદો થયો હતો. 

ભારતી હેક્સાકૉમ લિ​​સ્ટિંગ બાદ પ્રથમ વાર ઘટાડામાં આવ્યો

વોડાફોનનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૫૪ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટી ૧૧૦ પૈસા ચાલે છે. સબ્જેક્ટ ટૂમાં ૧૧૦૦નો ભાવ છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૨.૮૩ થઈ ૨.૧ ટકા ગગડી ૧૨.૯૨ રહ્યો છે. ૧૮,૦૦૦ કરોડનો મેગા ફૉલોઑન ઇશ્યુ ૨૨મીએ પૂરો થશે. એના શૅર પચીસમીએ ટ્રેડિંગમાં કે લિ​સ્ટિંગમાં આવશે. શૅર બિલો પાર જવાની પૂરી શક્યતા છે. તાતા કૉમ્યુનિકેશન્સ  સળંગ ૮મા દિવસની નબળાઈમાં ૧૭૪૦ થઈ ૫.૩ ટકા ગગડે ૧૭૫૫ થયો છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં દોઢ ટકાના ઘટાડામાં ૩૨૧ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. પણ નફા માર્જિન ૪ ટકા તૂટી ૧૮.૬ ટકા નોંધાયું છે એનાથી માનસ વધુ બગડ્યું છે. ટેલિકૉમમાં ભારતી ગ્રુપ હમણાંથી જોરમાં છે. આ જોર કેટલું લાંબુ ચાલશે એ સવાલ છે. ભારતી ઍરટેલ દોઢા કામકાજે પોણાબે ટકા વધી ૧૨૮૯ના નવા શિખરે ગઈ છે. એનો પાર્ટપેઇડ ૯૪૫ની વિક્રમી સપાટી બનાવી એક ટકો વધી ૮૯૬ થયો છે. ભારતી હેક્સાકૉમ બુલિશ વ્યુ પછી તગડો ઉછાળો દાખવ્યા બાદ ગઈ કાલે ઉપરમાં ૯૮૭ અને નીચામાં ૯૨૭ બતાવી ૨.૭ ટકો ઘટી ૯૪૬ હતો. લિ​સ્ટિંગ પછીનો આ પ્રથમ ઘટાડો છે. ઇન્ડ્સ ટાવર બમણા કામકાજે ૩૬૦ નજીક છ વર્ષની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧.૯ ટકાની મજબૂતીમાં ૩૫૧ થયો છે. આ કાઉન્ટ મહિનામાં ૪૮ ટકા અને ચાલુ કૅલેન્ડર વર્ષે ૭૭ ટકા જેવું વધી ચૂક્યું છે. કરેક્શન પાકી ગયું છે. 

ફોર્સ મોટર્સમાં ૧૨૪૧ રૂપિયાની તેજી, સ્પાર્ક સતત મંદીની સર્કિટમાં

ફોર્સ મોટર્સે પરિણામ ૨૬મીએ આપવાની જાહેરાત કરી છે. શૅર ગઈ કાલે પાંચ ગણા વૉલ્યુમે ૯૪૯૪ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૨૪૧ રૂપિયા કે ૧૫.૪ ટકાની તેજીમાં ૯૩૨૦ બંધ થયો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૧૪૨૩ રૂપિયા જેટલી ઊંચી છે અને ૩૮ વર્ષથી બોનસનો દુકાળ છે. છેલ્લે શૅરદીઠ એક બોનસ ૧૯૮૬માં આવ્યું હતું. એલ્ડેકો હાઉસિંગ ૧૦ ગણા વૉલ્યુમે ૧૧૫૯ના શિખરે જઈ ૧૭.૪ ટકા કે ૧૬૮ના જમ્પમાં ૧૧૩૩ થઈ છે. બેના શૅરની બુકવૅલ્યુ ૩૫૦ ઉપર છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. હિન્દ રે​ક્ટિફાયર્સ ૯ ગણા વૉલ્યુમે બૅક ટુ બૅક ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૩૭ વટાવી ગઈ છે. શું આવે છે એની રાહ જુઓ. સનફાર્મા ગ્રુપની સ્પાર્ક તાજેતરમાં, ૯ એપ્રિલે ૪૭૪ની સાડાપાંચ વર્ષની ટોચે ગઈ હતી. ત્યાર પછી ખબર નથી કે શાની નજર લાગી ગઈ, પણ શૅર સતત સાતમી મંદીની સર્કિટ મારી ગઈ કાલે પાંચ ટકા ગગડી ૩૩૪ની અંદર આવી ગયો છે. શુક્રફાર્મા એક શૅરદીઠ ત્રણ બોનસમાં એક્સ બોનસ તથાં બે ટકાની ઉપલી સર્કિટમાં ૮૫ નજીક બંધ થયો છે. અમદાવાદી નાપબુક્સ એક શૅરદીઠ બે બોનસમાં ઍક્સ બોનસ થયો છે, પરંતુ ગઈ કાલે કોઈ સોદા પડ્યા નથી. યુગડેકોર ઍક્સ રાઇટ થતાં પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૫૩ હતો.  

મોતીલાલ ઓસવાલમાં ૨૬મીએ બોનસ આવશે, શૅર નવી ટોચે
બૅન્ક નિફ્ટી નીચલા મથાળેથી ૧૦૯૦ પૉઇન્ટ બાઉન્સ થઈ ૪૭,૬૬૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૫૦૫ પૉઇન્ટ કે એક ટકો વધી ૪૭,૫૭૪ બંધ થયો છે, જેમાં હેવી વેઇટ HDFC બૅન્કનો સિંહ ફાળો હતો. આ શૅર પરિણામની પૂર્વસંધ્યાએ અઢી ટકાના જમ્પમાં ૧૫૩૪ નજીક બંધ આપી બજારને ૨૪૩ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ICICI બૅન્ક એક ટકો વધી એમાં ૬૭ પૉઇન્ટના ઉમેરામાં નિમિત્ત બની હતી. બજાજ ફાઇ.નાં પરિણામ પચીસમીએ છે, પણ શૅર સવા ત્રણેક ટકા કે ૨૧૮ની તેજીમાં ૭૧૦૭ બંધ રહી માર્કેટને ૫૩ પૉઇન્ટ ફળ્યો છે. આમ સેન્સેક્સના ૫૯૯ પૉઇન્ટના સુધારામાં આ ત્રણ શૅરનું પ્રદાન ૩૬૩ પૉઇન્ટનું જોવાયું છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની કમજોરીમાં સાધારણ ઘટ્યો છે. બૅ​ન્કિંગના ૪૧માંથી ૨૨ શૅર પ્લસ હતા. ઉત્કર્ષ બૅન્ક ૪.૬ ટકા, આરબીએલ સવાત્રણ ટકા, સૂર્યોદય બૅન્ક પોણાબે ટકા અપ હતી. સામે જેકે બૅન્ક સવાબે ટકા, ઇ​ક્વિટાસ બૅન્ક પોણાબે ટકા, યુનિયન બૅન્ક સવા ટકા આસપાસ ઘટાડે બંધ રહી છે. બંધન બૅન્ક ૧૭૯ની ચાર વર્ષની બૉટમ બતાવી ૧૭૩ના આગલા લેવલે ફ્લૅટ હતો.

જિયો ફાઇનૅ​ન્શિયલ પરિણામ પહેલાં સવાબે ટકા બગડી ૩૭૦ થયો છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળી બજાજ ફાઇનૅન્સના ૭૧૦૭ના ભાવ સામે ૧૦મી ફેસવૅલ્યુવાળો જિયો ફાઇ. આ ભાવે ઘણો સસ્તો છે. એમસીએક્સ માથે રિઝલ્ટ વચ્ચે અઢી ટકા ઘટી ૩૭૯૧ રહ્યો છે. રેપ્કોહોમ ૫૧૫ની ટૉપ હાંસલ કરી સાડાસાત ટકા ઉછળી ૫૦૪ તથા મોતીલાલ ઓસવાલ ૨૨૭૧ના બેસ્ટ લેવલ બાદ સવાસાત ટકા કે ૧૫૪ રૂપિયાના જમ્પમાં ૨૨૩૬ થયો છે. મોતીલાલની બોર્ડ-મીટિંગ ૨૬મીએ પરિણામ અને બોનસ માટે મળવાની છે. ઉજજીવન ફાઇ. ચાર ગણા વૉલ્યુમે સાડાપાંચ ટકા ઊંચકાઈ ૫૫૫ નજીક પહોંચ્યો છે. ત્રિમાસિક નફામાં પાંચ ટકાના ઘટાડાનો વસવસો ક્રિસિલમાં આગળ વધ્યો છે. શૅર સતત ત્રીજા દિવસની નરમાઈમાં ચાર ટકા કે ૧૮૭ રૂપિયા ધોવાઈ ૪૩૪૫ બંધ આવ્યો છે. શૅરદીઠ ૩૦૦ના ભાવે ૧૨૭૨ કરોડના રાઇટ ઇશ્યુની જાહેરાતમાં આઇઆઇએફએલ ફાઇ. બીજા દિવસની ખરાબીમાં સવાત્રણ ટકા ખરડાઈ ૪૦૬ રહ્યો છે.

business news stock market national stock exchange bombay stock exchange sensex nifty