06 February, 2023 03:10 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બુધવારે બજેટના દિવસે ન થયું એ બજેટના બે દિવસ બાદ થયું : નાણાપ્રધાન, રિઝર્વ બૅન્ક અને અગ્રણી બૅન્કોનાં નિવેદનને પગલે શુક્રવારે અદાણીના બૂરા દિવસો પૂરા થયાની આશા જાગી અને સેન્સેક્સે નવી છલાંગ સાથે ૬૦,૦૦૦ની સપાટી વટાવી : હવે નવા સપ્તાહમાં પણ અદાણી પ્રકરણ પર વધુ નજર રહેશે
બજેટ વિકાસલક્ષી હોવા છતાં શૅરબજાર સવાલલક્ષી બન્યું હતું. ગ્લોબલ આફતો અને અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર પ્રગતિની રાહે ચાલી રહ્યું હતું ત્યાં અદાણી ગ્રુપ સંબંધી નેગેટિવ અહેવાલને પરિણામે બજારની તેજીનું પાણી ડહોળાઈ ગયું, સવાલો અને શંકાઓ થતા રહ્યા. જોકે આપણે અગાઉ પણ એ ચર્ચા કરી હતી કે આ બધું જ આખરે તો શૉર્ટ ટર્મ સ્ટોરી જેવું છે. લૉન્ગ ટર્મ રોકાણકારોને આ ચિંતા બહુ સતાવશે નહીં અને સતાવવી જોઈએ પણ નહીં.
અદાણી અને બજેટની અસર
વીતેલું સપ્તાહ બજેટનું હોવાથી ઉત્તેજનાભર્યું તો આમ પણ હતું. બજેટના આગલા બે દિવસ પણ અદાણીના એપિસોડને કારણે માર્કેટ માટે ફ્લૅટ અને સાધારણ રહ્યા હતા. બજેટ પ્રત્યે નોંધપાત્ર કહી શકાય એવી ઉત્તેજના જોવાઈ નહોતી. એ જ દિવસે ફેડરલ રિઝર્વની વ્યાજદર સંબંધી મીટિંગ પર પણ ચિંતાભરી નજર હતી. બજેટમાં ન બહુ રાહત, ન બહુ બોજ જેવો ટોન હતો. જે પણ કંઈ હતું યા છે એ લૉન્ગ ટર્મ માટે છે. મહત્ત્વની વાત નોંધવી હોય તો બજેટમાં ઇકૉનૉમિક પૉલીસીની કન્સિસ્ટન્સી છે, સરકારનું વિકાસ માટેનું કન્વિક્શન અને ઇન્ક્લુઝિવનેસ (સર્વસમાવેશ) માટેનું કમિટમેન્ટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ મારફત રોજગાર સર્જનનું લક્ષ્ય છે. બજેટના દિવસે શૅરબજારે આશરે ૪૦૦૦ પૉઇન્ટની વધ-ઘટ બતાવી, બજેટે બજારને વેગ મળી શકે એવાં પગલાં જરૂર લીધાં, પરંતુ આ પગલાં લાંબા ગાળાનાં હોવાથી એની અસર માટે લાંબી રાહ જોવી પડશે.
સેન્સેક્સ પ્લસ છતાં નિફ્ટી માઇનસ
ફરી બજેટની વાત પર આવીએ તો પહેલી વાર એવું થયું કે બજેટના દિવસે અસાધારણ વધ-ઘટ બાદ સેન્સેક્સ દોઢસો પ્લસ બંધ આવ્યો હતો અને નિફ્ટી સાધારણ માઇનસ બંધ રહ્યો હતો. આમ થવાનું કારણ મુખ્યત્વે અદાણીના સ્ટૉક્સનું નિફ્ટીમાં વેઇટેજ ગણી શકાય, કેમ કે બજેટના દિવસે પણ અદાણીના સ્ટૉક્સની ખુવારી ચાલુ રહી હતી. ખરેખર તો બજેટની ચિંતા કરતાં અદાણીની અસરોની ચિંતા વધુ હતી. શુક્રવારે બજારે પૉઝિટિવ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો, પરંતુ અદાણીમાં નેગેટિવ ટ્રેન્ડ વધતો ગયો હતો અને મૂડીધોવાણ સતત વધતું રહ્યું હતું.
નાણાપ્રધાનના નિવેદનની પૉઝિટિવ અસર
માત્ર એકાદ ઘટનાથી ભારતીય માર્કેટ અસ્થિર થઈ જાય એવું નથી, નિયમન મજબૂત અને સજાગ છે, બૅન્કોના અદાણી ગ્રુપમાં રહેલા એક્સપોઝર ચિંતાનો વિષય નથી, વગેરે-વગેરે જેવાં આશ્વાસનરૂપી નિવેદનોને પગલે શુક્રવાર શૅરબજાર માટે સંગીન થઈ ગયો હતો. આ નિવેદનો કરનાર બીજું કોઈ નહીં, પણ નાણાપ્રધાન હતાં. પછી શું થાય? સેન્સેક્સ ૯૧૦ પૉઇન્ટ અને નિફ્ટી ૨૪૩ પૉઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યાં હતાં. જાણે કે અદાણીના સ્ટૉક્સના બૂરા દિવસો પૂરા થયા હોય એવી ચર્ચા બજારમાં ફરતી થઈ ગઈ હતી. આ ઉપરાંત નાણાપ્રધાનના અર્થતંત્ર વિશેના સ્ટેટમેન્ટની પૉઝિટિવ અસર પડવાથી પણ માર્કેટ મૂડમાં આવ્યું હતું. રિઝર્વ બૅન્ક અને સ્ટેટ બૅન્ક તેમ જ એલઆઇસીએ પણ અદાણીના એક્સપોઝર બાબતે ચિંતાની આવશ્યકતા નહીં હોવાનું જણાવતાં અદાણી સ્ટૉક્સમાં રિકવરીની આશા વધી છે.
ગયાં ૭ વરસના બજેટના દિવસ
છેલ્લાં સાતેક વરસના બજેટ-ડેને યાદ કરીએ તો ૨૦૧૬માં બજેટના દિવસે સેન્સેક્સ ૨૩,૦૦૦, નિફ્ટી ૭૦૦૦ આસપાસ હતો. ૨૦૧૭માં બજેટના દિવસે ૪૮૫ પૉઇન્ટ વધીને સેન્સેક્સ ૨૮,૦૦૦ ઉપર, નિફ્ટી ૮૭૦૦ ઉપર હતો. ૨૦૧૮માં ૫૦ પૉઇન્ટ માઇનસ સાથે સેન્સેક્સ ૩૫,૯૦૦ અને નિફ્ટી ૨૦ પૉઇન્ટ માઇનસ સાથે ૧૧,૦૦૦ રહ્યો હતો. ૨૦૧૯માં બજેટના દિવસે સેન્સેક્સ ૨૧૨ પ્લસ સાથે ૩૬,૦૦૦ ઉપર, નિફ્ટી ૬૨ પૉઇન્ટ પ્લસ સાથે ૧૦,૮૦૦ ઉપર બંધ રહ્યો હતો. ૨૦૨૦માં બજેટના દિવસે સેન્સેક્સમાં ૧૦૦૦ પૉઇન્ટનો કડાકો થયો હતો અને નિફ્ટી ૪૦૦ પૉઇન્ટ તૂટીને ૧૧,૬૦૦ રહ્યો હતો. ૨૦૨૧માં સેન્સેક્સ ૨૫૦૦ પૉઇન્ટની અને નિફ્ટીએ ૬૪૬ પૉઇન્ટની વિક્રમી છલાંગ લગાવીને અનુક્રમે ૪૮,૬૦૦ અને ૧૪,૨૦૦ બંધ રહ્યા હતા. ૨૦૨૨માં બજેટના દિવસે પણ તેજી અકબંધ રહી સેન્સેક્સ ૫૮,૦૦૦ની સીમા પાર કરી ગયો હતો. એ પછી હાલ જે લેવલ છે એ ૨૦૨૩માં જાહેર થયેલા બજેટ બાદની સ્થિતિ છે. હજી ડિસેમ્બરમાં જ ૬૨,૦૦૦નું લેવલ વટાવનાર સેન્સેક્સ અત્યારે (આ લખાય છે ત્યારે) ૬૦,૮૦૦ની આસપાસ અને નિફ્ટી ૧૭,૮૦૦ની આસપાસ રહ્યો છે.
આ પણ વાંચો : હાલ ન બહુ રાજી થવું, ન બહુ નારાજ થવું
અદાણી પ્રકરણમાંથી મળતા સબક
હવે પછી પણ અદાણી ગ્રુપની અસરથી બજાર સાવ મુક્ત નહીં રહી શકે એવું જણાય છે. ગ્રુપે એની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના ફૉલોઑન ઑફર (એફપીઓ) ભરાઈ ગયો હોવા છતાં એને રદ કર્યો અને રોકાણકારોનાં નાણાં પરત કરવાનું ઠરાવ્યું. આમ તેમણે રોકાણકારોના હિતમાં કર્યું હોવાની સ્પષ્ટતા પણ કરી છે. હિન્ડનબર્ગ રિસર્ચના સંખ્યાબંધ ગંભીર આક્ષેપો સાથેના નેગેટિવ રિપોર્ટ બાદ આ ગ્રુપે પોતાના વિશે વારંવાર અન્ય સ્પષ્ટતા પણ કરી છે. બીજી બાજુ સેબી તરફથી એની સ્ક્રુટિની ચાલી રહી છે. આ પ્રકરણ એવું ગૂંચવાયું છે કે એના સ્ટૉક્સમાં રોજ નીચલી સર્કિટ લાગતી રહી. એના સ્ટૉક્સમાં જબ્બર મૂડીધોવાણ પણ થઈ ચૂક્યું છે. અદાણી ગ્રુપના સ્ટૉક્સની ઊંચા ભાવે ખરીદી કરી બેઠેલા નાના રોકાણકારોની દશા બેસી ગઈ છે. અદાણીને મોટા ધિરાણ આપનાર બૅન્કો ભલે ચિંતા બતાવે નહીં, તેમને આ ચિંતા ખરી. આ પ્રકરણ આગળ જતાં કેવું પણ સ્વરૂપ ધારણ કરે હાલ તો માર્કેટ માટે બહુ મોટો અને વધુ એક સબક છે. આમ તો આ સબક માટે સંકેતો માર્કેટ સતત આપતું હોય છે, પણ એ સમયે લોકો પોતાની ધૂન અને ભ્રમણામાં વધુ વ્યસ્ત રહેતા હોય છે. કોઈ પણ એક કંપની યા ગ્રુપ અસાધારણ ઝડપે વધતું જાય, દેશ જ નહીં, ગ્લોબલ સ્તરે પણ વિકસતું જાય, જ્યાં જુઓ ત્યાં એના નામનો જ પ્રચાર થતો હોય, લોકોના મોઢે એ જ નામ રમ્યા કરતું હોય, જે સતત લોકોની આંખે ઊડીને વળગ્યા કરતું હોય એ કંપની કે ગ્રુપ અથવા વ્યક્તિ પ્રત્યે આંખ બંધ કરીને ખેંચાઈ જવાને બદલે દિમાગ ખોલીને-સતેજ કરીને સાવચેત બનતા જવું જોઈએ.