અદાણી જૂથના સ્ટોક્સ કડડભૂસ: એક જ દિવસમાં આટલા હજાર કરોડ રૂપિયા ધોવાઈ ગયા

12 August, 2024 08:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હિન્ડેનબર્ગે શનિવારે એક નવો અહેવાલ પ્રકાશિત કર્યો, જેમાં સેબી એટલે કે સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ વિરુદ્ધ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

અદાણી ગ્રુપની કંપનીઓ (Adani Stocks)નું બજાર મૂલ્ય આજે 12 ઑગસ્ટના રોજ એક જ ઝાટકે અનેક અબજ રૂપિયા ઘટી ગયું હતું. જોકે, આ નુકસાન એટલું મોટું નહોતું જેટલું અનુમાન કરવામાં આવી રહ્યું હતું. યાદ કરો લગભગ 18 મહિના પહેલાં, જ્યારે હિંડનબર્ગ રિસર્ચે પ્રથમ વખત અદાણી જૂથ પર વિવિધ ગેરરીતિઓનો આરોપ મૂકતો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલે અદાણી ગ્રુપના શેરોમાં હલચલ મચાવી દીધી હતી. માત્ર થોડા જ દિવસોમાં અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં લગભગ 100 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. કૉર્પોરેટ ઇતિહાસમાં કોઈપણ કંપનીના બજાર મૂલ્યમાં આ સૌથી તીવ્ર ઘટાડો હતો. જોકે, આ વખતે ઓછામાં ઓછું પ્રથમ દિવસે આવું જોવા મળ્યું ન હતું.

હિન્ડેનબર્ગે શનિવારે એક નવો અહેવાલ પ્રકાશિત કર્યો, જેમાં સેબી એટલે કે સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ વિરુદ્ધ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. હિંડનબર્ગ દાવો કરે છે કે માધબી પુરી બુચ અને તેના પતિએ વિદેશી ફંડ્સમાં રોકાણ કર્યું હતું જેનો ઉપયોગ અદાણી જૂથ (Adani Stocks) દ્વારા કરવામાં આવ્યો હતો. આ કારણોસર, સેબી અદાણી જૂથ દ્વારા છેતરપિંડીના આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરી શકી નથી.

આ અહેવાલ પછી આશંકા વ્યક્ત (Adani Stocks) કરવામાં આવી રહી હતી તેમ, અદાણી જૂથના શેર શરૂઆતના વેપારમાં ઝડપથી ઘટ્યા હતા. આને કારણે, સમગ્ર જૂથની બજાર કિંમત એક જ ઝાટકે લગભગ 19 અબજ ડૉલર ઘટી ગઈ, પરંતુ પાછળથી આ શેરોએ તેમની ખોટ પાછી મેળવી અને કેટલાક તો લીલા રંગમાં બંધ થયા હતા.

એકંદરે, અદાણી જૂથના બજાર મૂલ્યમાં દિવસ દરમિયાન લગભગ 2.4 બિલિયન ડૉલર એટલે કે લગભગ રૂા. 20,000 કરોડનો ઘટાડો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ 1.4 ટકા ઘટીને બંધ રહ્યો હતો. અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સનો સ્ટોક 4 ટકા ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ અંબુજા સિમેન્ટ્સ અને અદાણી ગ્રીન એનર્જીના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.

દરમિયાન, માધબી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચે હિંડનબર્ગના તમામ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પાયાવિહોણા છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ મામલે કોઈ ગેરરીતિ થઈ નથી અને તેમણે સમયાંતરે તમામ જરૂરી ખુલાસા કર્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ એક નિવેદનમાં હિંડનબર્ગના આરોપોને રદિયો આપ્યો છે.

અગાઉ પાયાવિહોણા પુરવાર થયેલા દાવાને રીસાઇકલ કરીને ફરીથી રજૂ કરવામાં આવ્યા

અમેરિકન શૉર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સંદર્ભમાં તાજેતરમાં પ્રકાશિત કરેલા અહેવાલને અદાણી ગ્રુપે ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે આ અગાઉના આરોપોનું રીસાઇક્લિંગ છે અને સુપ્રીમ કોર્ટે અગાઉ એને ડિસમિસ કરી દીધા છે અને આધારવિહોણા સાબિત થયા છે.

adani group hindenburg research gautam adani share market stock market nifty sensex national stock exchange bombay stock exchange business news