13 February, 2023 04:40 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
અદાણી પ્રકરણે ઘણા જુદા-જુદા રંગ પકડ્યા છે, રાજકીય અને આર્થિક રંગની અસરો ઉપરાંત આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ આવી ગયો છે, જેમાં હાલ સુપ્રીમ કોર્ટે સેબી પાસેથી ચોક્કસ અહેવાલ માગ્યા છે. બીજી બાજુ મૂડીઝ જેવી ગ્લોબલ રેટિંગ એજન્સીના રેટિંગ આઉટલુકમાં ફેરફાર થયા છે. કાનૂની વિવાદ કેવો રંગ પકડશે એ હાલ કહેવું કઠિન છે. આ ગૂંચવણો વચ્ચે ભારતીય અર્થતંત્ર સહિત બૅન્કો અને અન્ય કૉર્પોરેટ્સને ક્યાંક અસર ચોક્કસ થઈ રહી છે. આ સંજોગોમાં માર્કેટ પાસે વૉલેટાઇલ રહેવા સિવાય વિકલ્પ નથી, જયારે રોકાણકારો પાસે સાવચેત રહેવા સિવાય કોઈ ઑપ્શન નથી. અદાણીના ચોક્કસ સ્ટૉક્સમાં લાંબા ગાળાનું જોખમ લેવાની તૈયારી સાથે રોકાણ કરનારને લાભ થવાની શક્યતા ઊંચી છે, પરંતુ આ મામલામાં શું થતું રહે છે એ વિશે સતત તેલ અને તેલની ધાર જોતાં રહેવું પડશે.
ગયા સપ્તાહનો આરંભ ધારણા મુજબ કરેક્શનથી થયો હતો, કેમ કે એના આગલા સપ્તાહનો અંત મોટા ઉછાળા સાથે થયો ત્યારે જ નવા સપ્તાહમાં પ્રૉફિટ બુકિંગ આવવાની શક્યતા આકાર પામી હતી. જોકે સોમવારે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં સુધારાનો ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૯૦ પૉઇન્ટ માઇનસ સાથે બંધ રહ્યા હતા. અદાણીના સ્ટૉક્સને હજી કળ વળી નહોતી, પરંતુ એના અણસાર દેખાવાના શરૂ થયા હતા. મંગળવારે કરેક્શનનો દોર ચાલુ રહ્યો, જેમાં ગ્લોબલ કારણો પણ જવાબદાર હતાં અને સેન્ટિમેન્ટ પણ નિરાશાનું હતું. સેન્સેક્સ ૨૨૦ પૉઇન્ટ અને નિફ્ટી ૪૩ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા.
રિઝર્વ બૅન્કની પૉલિસી
રિઝર્વ બૅન્ક તરફથી પા ટકા (૦.૨૫ બેસિસ પૉઇન્ટ) વ્યાજ વધારાની શક્યતા ચર્ચામાં હતી, જે બુધવારની પૉલિસી જાહેરાતમાં સાચી સાબિત થઈ. રિઝર્વ બૅન્કે રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો જાહેર કર્યો અને ઇન્ફલેશન નીચે જવાની ધારણા પણ વ્યકત કરી, જેને પગલે માર્કેટે રિકવરી દર્શાવી હતી. ચાલુ વરસ માટે રિઝર્વ બૅન્કે ફુગાવાના દરની ધારણામાં ૨૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હોવાની સકારાત્મક અસર પણ હતી. ગ્લોબલ સંકેત પણ પૉઝિટિવ રહેતાં સેન્સેક્સ ૩૭૭ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. જોકે હજી ફુગાવાની ચિંતામાંથી સાવ મુકત થઈ જવાય એવું નથી. અલબત્ત, આરબીઆઇ ગ્રોથ પર પણ ફોકસ ધરાવતી હોવાથી પ્રવાહિતાનું મૅનેજમેન્ટ પર ધ્યાન આપતી રહી છે. તાજેતરમાં ફેડરલ રિઝર્વ તરફથી પણ વ્યાજ વધારામાં પા ટકાની વૃદ્ધિનો જ અભિગમ અપનાવ્યો હતો. અર્થાત્ મોંઘવારી સંબંધી સંજોગો ધીમે-ધીમે અંકુશમાં આવી રહ્યા હોવાની પ્રતીતિ થાય છે. મે ૨૦૨૨થી અત્યાર સુધીમાં ફેડરલ રિઝર્વે સાડાચાર ટકાનો વ્યાજ વધારો કર્યો છે, જયારે એની સામે રિઝર્વ બૅન્કે અઢી ટકાનો વ્યાજવધારો કર્યો છે. ભારતમાં ઇન્ફ્લેશન કાબૂમાં આવતું-જતું હોવાનાં એંધાણ હોવાથી હવે પછી મોટા વધારાની અપેક્ષા રહેતી નથી. રિઝર્વ બૅન્કનો ટાર્ગેટ ઇન્ફ્લેશન રેટને ચાર ટકા સુધી નીચે લાવવાનો છે. બીજી બાજુ ફેડરલ રિઝર્વ ફુગાવાની વૃદ્ધિની ધારણા હવે પછી ઓછી રહેવાની આશા રાખે છે, પણ વ્યાજદરનો વધારો અટકતાં સમય લાગશે એવું પણ કહે છે.
ભારતીય અર્થતંત્ર પ્રત્યે આશાવાદ
દરમ્યાન ગ્લોબલ ઇન્વેસ્ટર માર્ક મોબિસે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માત્ર લાંબા ગાળા માટે જ રોકાણની ભલામણ કરી હતી, જેમાં પણ જે ઇન્ફ્રા કંપની બહુ દેવું ધરાવતી હોય એવી કંપનીઓમાં રોકાણ ટાળવું જોઈએ અથવા લૉન્ગ ટર્મ માટે કરવું જોઈએ. તેમના મતે ઇન્ફ્રા કંપનીઓના પ્રોજેક્ટ્સ ૮થી ૧૦ વરસના હોય છે તેમ જ એમાં મૂડી સામે વળતર ઓછું મળે છે, એમાં વળી વ્યાજબોજ વધે તો એ હિતમાં ન ગણાય. મોબિયસે અદાણી મામલામાં મોદી સામે થતા આક્ષેપો ગેરવાજબી હોવાનું જણાવતાં કહ્યું હતું કે ભારતના આર્થિક વિકાસ માટે પોતે આશાવાદી છે.
એફઆઇઆઇનો વેચવાલીનો દોર જોરમાં
ગુરુવારે માર્કેટ ફ્લૅટ સ્થિતિમાં વધઘટ કરતું રહ્યું હતું. બીજા દિવસે એટલે કે ૧૦મી ફેબ્રુઆરીએ અદાણીની હિંડનબર્ગ સામેની અરજીની સુનાવણી થવાની હોવાથી અદાણીના શૅરોમાં સાવચેતી સાથે નજર સુપ્રીમ કોર્ટ પર મંડાઈ હતી. ફેડરલ રિઝર્વના વ્યાજદરના વધારાનો દોર હજી ચાલુ રહેશે એવા નિવેદન પર યુએસ માર્કેટ નરમ હોવાથી ભારતીય માર્કેટ પર પણ અસર હતી, એમ છતાં ચોક્કસ સેક્ટર્સમાં લેવાલીને કારણે સેન્સેક્સ ૧૪૨ પૉઇન્ટ અને નિફ્ટી ૨૨ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. અદાણીના ચોક્કસ સ્ટૉક્સમાં વેચવાલીનો મારો ચાલુ રહેતાં એના ભાવો નીચા ગયા હતા. શુક્રવારે પણ અદાણીના સ્ટૉક્સમાં ધોવાણ ચાલુ રહ્યું હતું, કેમ કે એમએસસીઆઇ (મૉર્ગન સ્ટૅનલી ઇન્ડેક્સ)માંથી અદાણીના ચોક્કસ સ્ટૉક્સ દૂર કરાવાને કારણે પણ વેચાણ આવતું રહ્યું હતું. જોકે સેન્સેક્સ માત્ર સવાસો પૉઇન્ટ જેટલો અને નિફ્ટી માત્ર ૩૬ પૉઇન્ટ ઘટ્યો હતો. આમાં વળી સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં સુધારો જોવાયો હતો. આમ એકંદરે માર્કેટ-ટ્રેન્ડ બહેતર કહી શકાય એવો હતો. દરમ્યાન ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન દર્શાવતો ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૪.૩ ટકા ઘટ્યો હતો, જે નવેમ્બરમાં ૭.૩ ટકા હતો. વિદેશી રોકાણ સંસ્થાઓનું વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું હોવાથી માર્કેટને વધવાનો સ્કોપ મળતો નથી. જાન્યુઆરીમાં એફઆઇઆઇએ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના બૅક સ્ટૉક્સ વેચ્યા છે, જેને કારણે બૅન્ક નિફ્ટી નીચે ગયો હતો. અદાણી પ્રકરણની અસર રૂપ બૅન્ક સ્ટૉક્સમાં ગાબડાં પડ્યાં હોવાનું નોંધાયું છે. જોકે આવા સમયમાં અદાણી સિવાયના ફન્ડામેન્ટલ્સથી મજબૂત સ્ટૉક્સ પર ચોક્કસ નજર કરાય અને ઘટતા ભાવે ખરીદી પણ કરાય.
અદાણી પ્રકરણની વિવિધ અસર
અદાણી ગ્રુપના કિસ્સામાં વિવિધ સ્તરે વાતો, અફવા, સંદેહ, સવાલો, સ્પષ્ટતાઓનો દોર ચાલુ છે. સ્ટૉક્સમાં કયાંક રિકવરી શરૂ થઈ છે અથવા ખરાબી અટકી છે. અદાણી ગ્રુપે પોતાની મજબૂતી અને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવાના ઉદેશ સાથે એના સ્ટૉક્સ સામે લીધેલી બૅન્ક લૉન્સનું પેમેન્ટ કરવાનું નક્કી કર્યું છે. આ રકમ ૧.૧૧ અબજ ડૉલર જેટલી છે. અગ્રણી ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસિસ કહે છે કે અદાણી કંપનીઓમાં બૅન્કોનું બહુ મોટું એક્સપોઝર નહીં હોવાથી બૅન્કનું જોખમ પણ ખાસ નથી, પરંતુ જો અદાણી માટે વિદેશોમાંથી ફન્ડ ઊભું કરવાનું મુશ્કેલ બને તો તેણે ભારતીય બૅન્કો પાસે આવવું પડે અને ત્યારે બૅન્કોનું રિસ્ક વધી શકે. આ સાથે મૂડીઝે અદાણી ગ્રીનનું રેટિંગ સ્ટેબલમાંથી નેગેટિવ આઉટલુકનું કર્યું છે. દરમ્યાન નૉર્વે વેલ્થ ફન્ડે અદાણી ગ્રુપની કંપનીઓમાંથી પોતાનું બાકીનું બધું જ રોકાણ છૂટું કરી દીધું છે. આ રોકાણ મોટી માત્રામાં હતું. બીજી બાજુ ભારતમાં અદાણી પ્રકરણે રાજકીય રંગ પકડી લીધો છે. સરકારને અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે ભીંસમાં લેવાના જોરદાર પ્રયાસ ચાલી રહ્યા છે. સંસદમાં આ મામલે થઈ રહેલા સવાલ અને ધમાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષોને જડબાતોડ જવાબ આપ્યા હોવાનું જાહેરમાં છે. દરમ્યાન સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગના કેસમાં સેબીને એનો અહેવાલ સોમવારે સુપરત કરવા કહ્યું છે. આ સાથે રોકાણકારોનાં હિતોની રક્ષા માટે સેબી કેવું માળખું ધરાવે છે એ જણાવવાનો આદેશ પણ આપ્યો છે. હવે અદાણી મામલે બજારની નજર સુપ્રીમ કોર્ટ પર વધુ રહેશે.