02 December, 2024 06:37 AM IST | Mumbai | Jayesh Chitalia
ફાઇલ તસવીર
વર્તમાન ગ્લોબલ તથા સ્થાનિક સંજોગોને ધ્યાનમાં રાખતાં બે બાબત બજાર પર હાવી રહેશે, એક અમેરિકા અને બીજી અદાણી પ્રકરણ. ઇન શૉર્ટ, હાલ બજાર સ્થિર થવાના પ્રયાસમાં લાગે છે, તેજી માટે કોઈ મજબૂત ટ્રિગર નથી, ઘટવા માટેની ફિકરો ઘણી છે, સાવચેત રહેવું જોઈશે.
ગયા સોમવારે જબ્બર ઉછાળા સાથે મહારાષ્ટ્રની જીતનો ભરપૂર જશન મનાવ્યા બાદ માર્કેટ ઓવરઑલ શાંત થઈ ગયું હતું, કારણ કે આ પરિબળ આમ તો ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું. એટલે જ સોમવારે વધીને પાછું ફરેલું બજાર મંગળવારે કરેક્શનના શરણે ગયું હતું. જોકે બુધવારે વધઘટ બાદ આખરે માર્કેટ પ્લસ રહીને સેન્સેક્સ ૮૦ હજાર ઉપર ટકી રહ્યો હતો. ફૉરેન ઇન્વેસ્ટર્સની ખરીદી પુનઃ શરૂ થઈ હોવાની ચર્ચા છે. નવાઈની વાત એ છે કે અદાણીના વિવાદાસ્પદ પ્રકરણ વચ્ચે ફૉરેન બાયર્સ પાછા ફર્યા. જોકે ગુરુવારે સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટ જેટલો તૂટીને ૭૯ હજારની આસપાસ અને નિફ્ટી ૨૪ હજારની નીચે ઊતરી ગયા હતા, જેમાં અમેરિકામાં ઇન્ફ્લેશનને પરિણામે રેટ-કટ લંબાઈ જવાની શક્યતાની અસર હતી. આ ઉપરાંત અમેરિકામાં ખર્ચ-ઘટાડાને કારણે આઇટી સ્ટૉક્સ નબળા પડ્યા હતા, જેમાં ભારતીય આઇટી કંપનીઓના સ્ટૉક્સમાં ગાબડાં પડ્યાં હતાં. વધુમાં રશિયા-યુક્રેન લડાઈ ઉગ્ર બનવાના અહેવાલની નેગેટિવ અસર પણ હતી. બાકી સંજોગોને જોઈ આગલા દિવસના સુધારાનું પ્રૉફિટ-બુકિંગ પણ થયું હતું. વળી શુક્રવારે માર્કેટે રિકવરીનો માર્ગ લીધો હતો. આમ બજાર જે રીતે વધઘટ કે ચાલ બતાવે છે એમાં બૉટમ કે ટૉપની ધારણા બાંધવી પણ મુશ્કેલ થઈ જાય એવી છે, એમ છતાં સંકેત એ મળે છે કે ૭૫-૭૬ હજારને બૉટમ માની શકાય, બાકી અત્યારે ટૉપ વિશે વાત કરવી એટલે ટ્રમ્પ આગામી દિવસોમાં શું કરશે એના વિશે વાત કરવા જેવું ગણાય. દરમ્યાન દેશનો ગ્રોથરેટ ધીમો પડ્યો છે.
અદાણી ગ્રુપ પર વધી રહેલી આફતો
દરમ્યાન અદાણી ગ્રુપ સામેની આફતો વધી રહી છે. અગ્રણી રેટિંગ એજન્સીઓ મૂડીઝ અને ફિચ બન્નેએ એના આઉટલુકને સ્ટેબલથી ડાઉનગ્રેડ કરીને નેગેટિવમાં ફેરવ્યું છે. આને પગલે અદાણીની શાખ નીચે ઊતરશે. આમ પણ અમેરિકા બ્રાઇબરી-કમ-ફ્રૉડ કેસને લીધે હાલ તો અદાણી ગ્રુપના હાલ ઠંડા પડી ગયા છે. વધુમાં ગ્લોબલ રેટિંગ એજન્સી એસ ઍન્ડ પીએ અદાણી ગ્રીન (જે આ કેસમાં મુખ્ય છે), અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગૅસનું આઉટલુક સ્ટેબલથી નેગેટિવ કર્યું છે. દુકાળમાં અધિક માસ, કેન્યાએ અદાણી એનર્જી સૉલ્યુશન્સ સાથેની ૭૩૬ મિલ્યન ડૉલરની જંગી ડીલ કૅન્સલ કરી છે. અદાણી ગ્રીને પોતાનો ૬૦૦ મિલ્યન ડૉલરનો બૉન્ડ ઇશ્યુ રદ કર્યો છે. ટોટલ એનર્જિસ દ્વારા અદાણી ગ્રુપનાં ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ કરવામાં આવ્યાં છે. જોકે અદાણી ગ્રુપ તરફથી એવા અહેવાલ વહેતા થયા છે કે તેમની સામે કોઈ ગંભીર આક્ષેપ નથી અને કોઈ સિરિયસ ઍક્શનની શક્યતા પણ નથી, જેને પગલે એના સ્ટૉક્સમાં રિકવરી જોવાઈ હતી. અલબત્ત, આ મામલે કેટલું અને કોનું સાચું માનવું એ કળવું કઠિન છે.
અદાણી સામે હારબંધ પડકારો
અદાણી ગ્રુપની દશા હવે એવી થઈ છે કે એને વિશ્વમાંથી જ નહીં, ભારતમાંથી પણ ભંડોળ ઊભું કરવાનું કઠિન બનશે એવો મત વ્યક્ત થઈ રહ્યો છે. ક્યાંક અદાણી સામે રીફાઇનૅન્સ વખતે પણ પડકાર ઊભા થઈ શકે. બજારના રોકાણકારો પણ અદાણી ગ્રુપના સ્ટૉક્સથી અળગા થવા લાગ્યા છે અને સાવચેત પણ રહેવા લાગ્યા છે. અલબત્ત, એના ભાગીદાર એવા GQGના મતે અદાણી ગ્રુપની કંપનીઓનાં ફન્ડામેન્ટલ્સ મજબૂત ગણાય છે જેણે અગાઉ હિન્ડનબર્ગ કેસ વખતે અદાણીમાં રોકાણ કરીને ટૂંકા ગાળામાં જંગી કમાણી કરી હતી. હાલ અદાણી સ્ટૉક્સના ભાવ નીચે જવા લાગે છે ત્યારે મોટા રોકાણકારો ઘટાડે રિસ્ક લેવા ધારે છે, પરંતુ કઠણાઈ એ છે કે એની સામેની અનિશ્ચિતતા સંસ્થાકીય રોકાણકારોને રોકી રહી છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડ્સ તેમની કાનૂની જોગવાઈઓને કારણે આવા શંકાસ્પદ કેસોમાં રોકાણ ચાલુ રાખી શકતા નથી, એમને એમાંથી બહાર નીકળી જવું પડતું હોય છે. અદાણી ગ્રુપ સામેની આ અસરો અને ભાવિ સંભવિત અસરો બજારના સેન્ટિમેન્ટને પણ નેગેટિવ અસર કરશે એવી શક્યતા નકારી શકાય નહીં.
અદાણીથી કોના પેટમાં વધુ દુખે છે?
એક ગણિત અદાણીના વિષયમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે વિદેશોમાં આકાર લેતા અદાણીના પ્રોજેક્ટ્સથી સૌથી વધુ ચીનના પેટમાં બળતરા થાય છે. ખાસ કરીને શ્રીલંકા અને અન્ય દેશોમાં ચીનને પણ રસ છે. આ ઉપરાંત ભારતમાં પણ અદાણી ક્યાંક ને ક્યાંક આંખે તો ચડ્યા જ કરે છે, જેને લીધે આ ગ્રુપને સકંજામાં લેવા ચારેતરફથી કારસો ગોઠવાતો હોય તો નવાઈ નહીં. આ અર્થમાં અદાણી પ્રકરણમાં રાજકારણની સાથે ગ્લોબલ બિઝનેસ હરીફાઈ પણ કામ કરતી હોઈ શકે. જાણકારો કહે છે કે અદાણી ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બહુ સક્રિય છે, જ્યારે કે આવા પ્રોજેક્ટ્સ લાંબો સમય માગી લેતા હોય છે, જેમાં નાણાંભંડોળ પણ બહુ મોટું જોઈતું હોય છે, આ મામલે વિલંબ થાય અથવા ફાઇનૅન્સ અટકે તો કંપનીઓ માટે બહુ મોંઘું પડી જતું હોય છે. અદાણીના કિસ્સામાં આ તકલીફનો ભય ધીમે-ધીમે વધી રહ્યો છે. અદાણી આમાંથી કઈ રીતે અને ક્યારે પાર થઈ શકે છે એ જોવાનું રહેશે, ત્યાં સુધી માથા પર તલવાર લટકતી રહેશે. એને લીધે બજારના સેન્ટિમેન્ટ પર અસર થઈ શકે. આ પ્રકરણ સાથે બૅન્કો, મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને નાણાં સંસ્થાઓ તેમ જ વૈશ્વિક પરિબળો પણ સંકળાયેલાં છે અને રહેશે.
વિશેષ ટિપ
તાજેતરમાં ચૂંટણી વખતે જે સૂત્રો પ્રચલિત થયાં હતાં એ સૂત્રો હાલ શૅરબજારમાં પણ કામ લાગે એવાં છે, જેમ કે એફ ઍન્ડ ઓ ટ્રેડિંગ કરનારા માટે કહેવાય કે બટેંગે તો કટેંગે અને મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં રોકાણ કરનારા માટે કહેવાય છે કે એક હૈં તો સેફ હૈં.