31 December, 2024 07:24 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીથી સત્તાનાં સૂત્રો સંભાળે ત્યાર બાદ પૉલિસીમાં થઈ રહેલા ફેરફારની રાહ અને આખા વર્લ્ડમાં ન્યુ યરની ઉજવણીનો જશ્ન ચાલુ હોવાથી એની અસરે સોના-ચાંદીના ભાવ રેન્જ બાઉન્ડ હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૪૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૫૬ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૧૦૭.૯૯થી ૧૦૮ની રેન્જમાં જળવાયેલો હતો. ૨૦૨૫માં રેટ કટની સંભાવના દિવસે-દિવસે ઘટતી જતી હોવાથી ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ સતત મજબૂત લેવલે ૪.૬૨૫ ટકાએ રહ્યા હતા. ટ્રેઝરી યીલ્ડની મજબૂતીનો સપોર્ટ ડૉલરને મળ્યો હતો. ડિસેમ્બર મહિનામાં ડૉલર ઇન્ડેક્સ ૨.૧ ટકા અને ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૬.૬ ટકા વધ્યો હતો.
અમેરિકાની એક્સપોર્ટ નવેમ્બરમાં ૪.૪ ટકા વધી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૪.૫ ટકા વધી હોવાથી ટ્રેડ ડેફિસિટ વધીને ૧૦૨.૮૬ અબજ ડૉલરે પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા ૧૦૦.૭ અબજ ડૉલરની હતી અને એક વર્ષ અગાઉ ડેફિસિટ ૯૮.૩ અબજ ડૉલરની હતી.
ચીનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ૨૦૨૪ના ત્રીજા ક્વૉર્ટરના અંતે વધીને બે વર્ષની ઊંચાઈએ ૧૪૭.૬ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૬૦.૮ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૧૪૬.૯ અબજ ડૉલરની હતી.
જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૪૯.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૯ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૪૯.૫ પૉઇન્ટ હતો. ચાલુ સપ્તાહે મંગળવારે ચીનના ડિસેમ્બર મહિનાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ ડેટા જાહેર થશે. બુધવારે નવા વર્ષ નિમિત્તે ભારત સિવાયના વર્લ્ડના તમામ માર્કેટ બંધ રહેશે. ગુરુવારે અમેરિકાના ડિસેમ્બર મહિનાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથના ડેટા જાહેર થશે. આમ ક્રિસમસ અને ન્યુ યરની રજાઓ હોવાથી ચાલુ સપ્તાહે માર્કેટ ગતિવિધ એકદમ પાંખી રહેશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
વર્લ્ડની અનેક બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ એજન્સીઓએ ૨૦૨૫માં સોનું વધીને ૨૮૦૦થી ૩૦૦૦ ડૉલર અને ચાંદી વધીને ૩૮થી ૩૯ ડૉલર થવાની આગાહી કરી છે. મોટા ભાગની એજન્સીઓનો દાવો છે કે ટ્રમ્પની કન્ટ્રોવર્સિયલ પૉલિસીને કારણે ફરી અનેક દેશો વચ્ચે ટ્રેડવૉર શરૂ થતાં ઇન્ફ્લેશનરી પ્રેશર અમેરિકા સહિત અનેક દેશોમાં વધશે જેને કારણે સોના-ચાંદીમાં હેજિંગ ડિમાન્ડ વધતાં બન્ને પ્રેસિયસ મેટલમાં તેજી જોવા મળશે. આ મુખ્ય કારણ ઉપરાંત બે ફેક્ટરો ૨૦૨૫માં સોના અને ચાંદીની તેજીમાં મહત્ત્વનો ભાગ ભજવશે. સોનામાં ભારત-ચીનની ફિઝિકલ ડિમાન્ડ અને વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી આ બે ફૅક્ટર ૨૦૨૫માં મુખ્ય ભાગ ભજવશે. ૨૦૨૪માં સોનું ૨૭ ટકા વધવા છતાં ફિઝિકલ ડિમાન્ડ મિશ્ર અને સેન્ટ્રલ બૅન્કોની ખરીદી એકદમ ઓછી રહી હતી. ચાંદીની તેજીમાં ઇન્ડસ્ટ્રિયલ, ઇલેક્ટ્રિક વેહિકલ માટે અને સોલર પૅનલ માટેની ડિમાન્ડ મહત્ત્વનો ફાળો આપશે. સોના-ચાંદીની તેજીનો કયાસ ૨૦૨૫માં ડિમાન્ડના ઉતાર-ચડાવ પરથી નીકળી શકશે.