ભારતમાં ક્રિપ્ટો સંબંધિત ચર્ચાપત્ર બહાર પડાશે, આઇસી૧૫ ઇન્ડેક્સ ૩૯૭૯ પૉઇન્ટ ઘટ્યો

26 July, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના આર્થિક બાબતોના સચિવ અજય શેઠે જણાવ્યું છે કે ભારત ક્રિપ્ટોકરન્સી સંબંધિત નીતિ દર્શાવનારું ચર્ચાપત્ર આગામી સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવાનું આયોજન ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન શૅરબજારમાં મોટા પાયે વેચવાલી થવાને પગલે અને સ્પૉટ ઇથેરિયમ ઈટીએફમાંથી ઉપાડ થયા બાદ તથા માઉન્ટ ગોક્સના ક્રેડિટરોએ કરેલી વેચવાલીને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે મોટો ઘટાડો નોંધાયો હતો.

૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૪.૭૨ ટકા (૩૯૭૯ પૉઇન્ટ) ઘટીને ૮૦,૩૬૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૪,૩૪૧ ખૂલીને ૮૫,૦૫૫ની ઉપલી અને ૭૯,૯૨૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. અવાલાંશ ૧૦.૧૫ ટકા સાથે ટોચનો ઘટનાર હતો. ઇથેરિયમ, ડોઝકૉઇન, ચેઇનલિન્ક અને લાઇટકૉઇન ૬થી ૯ ટકાની રેન્જમાં ઘટ્યા હતા. ટ્રોન ૧.૫૭ ટકાની વૃદ્ધિ સાથે એકમાત્ર વધનાર હતો.

દરમ્યાન, ભારતના આર્થિક બાબતોના સચિવ અજય શેઠે જણાવ્યું છે કે ભારત ક્રિપ્ટોકરન્સી સંબંધિત નીતિ દર્શાવનારું ચર્ચાપત્ર આગામી સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવાનું આયોજન ધરાવે છે. બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય વેપાર માટેની ચુકવણી ક્રિપ્ટોકરન્સીમાં કરવા માટેનો તથા ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કાનૂની બનાવવા માટેનો ખરડો રશિયાની સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. અન્ય એક અહેવાલ મુજબ વ્યોમિંગના સંસદસભ્ય સિન્થિયા લ્યુમિસ ક્રિપ્ટોને લગતો એક ખરડો સંસદમાં રજૂ કરવા માગે છે. દેશની ફેડરલ રિઝર્વ સોનું અને વિદેશી ચલણની જેમ બિટકૉઇન પણ રિઝર્વ ઍસેટ તરીકે રાખે એવી એમાં ભલામણ કરવામાં આવી છે. 

business news crypto currency bitcoin india