24 April, 2023 03:07 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં છેલ્લાં ત્રણ વર્ષથી ભારત રૂનો સૌથી મોટો ઉત્પાદક બન્યો છે. ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારીનું નિર્માણ કરી રહ્યો હોવાથી રૂની માર્કેટ ભારતની કરોડરજ્જુ છે. દેશમાં ૧૩૦ લાખથી વધુ હેક્ટરમાં કપાસનું ઉત્પાદન થાય છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. દેશમાં રૂ, કાપડ અને ટેક્સટાઇલ માર્કેટનું હબ મુંબઈ છે આથી આખા દેશની રૂ, કાપડ અને ટેક્સટાઇલ માર્કેટની ગતિવિધિ મુંબઈથી નક્કી થાય છે. દેશમાં રૂના ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામનું પ્રતિનિધિત્વ કરનારા કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાનું વડું મથક મુંબઈમાં છે. કાપડની સૌથી જૂની મૂળજી જેઠા માર્કેટ પણ મુંબઈમાં આવેલી છે અને અહીંથી દેશભરના કાપડ ઉદ્યોગની દિશા અને દશા નક્કી થાય છે. અત્યારે દેશના રૂ અને ટેક્સટાઇલ માર્કેટમાં રૂના ઉત્પાદન વિશે ભારે ચર્ચા ચાલી રહી છે અને એ ચર્ચા ટૉપ લેવલની બે સંસ્થા દ્વારા મુકાયેલા ઉત્પાદનના અંદાજમાં આવેલા ફરકની છે.
રૂના ઉત્પાદનના અંદાજમાં મતમતાંતર
દેશના તમામ ટેક્સટાઇલ સ્ટેક હોલ્ડર્સ અને કપાસ ઉગાડતા ખેડૂતોને એક મંચ હેઠળ લાવીને સરકારે સીસીપીસી (કમિટી ઑન કૉટન પ્રોડક્શન ઍન્ડ કન્ઝમ્પ્શન)એ તાજેતરમાં દેશમાં રૂના ઉત્પાદનનો અંદાજ ૩૩૭.૨૩ લાખ ગાંસડી (એક ગાંસડી=૧૭૦ કિલો)નો મૂક્યો હતો. સરકારની આ કમિટીના ચૅરમૅન સરકાર નિયુક્ત ટેકસટાઇલ કમિશનર છે. ગયા નવેમ્બરમાં આ કમિટીએ ૩૪૧.૯૧ લાખ ગાંસડીનો અંદાજ મૂકયો હતો, જ્યારે મુંબઈ સ્થિત કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં મળેલી મિટિંગમાં રૂના ઉત્પાદનો અંદાજ ૧૦ લાખ ગાંસડી ઘટાડીને ૩૦૩ લાખ ગાંસડી મૂક્યો હતો. કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ સીઝનના પ્રારંભે જે અંદાજ મૂક્યો હતો એમાં લગભગ દર મહિને ઘટાડો કરતી આવી છે. દેશના રૂના જીનરો, મિલરો, વેપારીઓ અને ખેડૂતોનું પ્રતિનિધિત્વ કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયા કરી રહી છે અને વિવિધ રાજ્યસ્તરનાં અસોસિએશનો કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયા સાથે જોડાયેલાં છે. કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી ૩૦થી વધુ મેમ્બરોની ક્રૉપ કમિટી બનાવી છે, જે દેશમાં રૂનું ઉત્પાદન કરતાં દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાની ક્રૉપ કમિટીની મિટિંગ દર મહિને મળે છે, જેમાં રૂની આવક, ઉત્પાદન, વપરાશ, આયાત-નિકાસ અને સ્ટૉકની ચર્ચા કરીને દરેકના અંદાજનો વિગતવાર રિપોર્ટ
તૈયાર કરીને સમગ્ર દેશ સમક્ષ મૂકવામાં આવે છે. આમ, બન્ને એજન્સીઓ ટૉપ લેવલની છે અને બન્નેની વિશ્વસનીયતા એકદમ અવ્વલ દરજ્જાની છે.
વેપાર-ઉદ્યોગમાં ઉત્પાદન વિશે દ્વિધા
રૂના ઉત્પાદન અને ભાવ વિશે ચાલુ વર્ષે વિચિત્ર સ્થિતિ જોવા મળી છે. ગઈ સીઝનમાં દેશમાં અને વિશ્વના અનેક દેશોમાં રૂનું ઉત્પાદન ભારે માત્રામાં ઘટતાં રૂ અને કપાસના ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા હતા. ગયા વર્ષે રૂના ભાવ પ્રતિ ખાંડી ૧ લાખ રૂપિયાને પાર કરી ગયા હતા. રૂ બજારના ઇતિહાસમાં આટલા ઊંચા ભાવ પહેલી વખત જોવા મળ્યા હતા. રૂના આટલા ઊંચા ભાવને કારણે કપાસ ઉગાડતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ઍવરેજ ૧૨,૦૦૦ રૂપિયાથી વધુ ભાવ મળ્યા હતા. ગયા વર્ષે થોડા સમય ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ૧૫,૦૦૦ રૂપિયા સુધી ઊંચા ભાવ મળ્યા હતા. સરકારે કપાસની નક્કી કરેલી એમ.એસ.પી. (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) પ્રતિ ક્વિન્ટલ ૬૦૦૦ રૂપિયાથી નીચે હતી. આમ કપાસ ઉગાડતા ખેડૂતોને એમ.એસ.પી.થી ગયા વર્ષે ડબલ ભાવ મળ્યા હતા. આટલા ઊંચા ભાવ મળ્યા હોવાથી દેશમાં કપાસનું વાવેતર ૧૨ ટકાથી વધુ વધ્યું હતું અને ગયા વર્ષની સરખામણીમાં ભાવ એકદમ નીચા રહેતાં ચાલુ વર્ષે ખેડૂતોએ કપાસ વેચવાનું ઓછું કરી નાખ્યું હતું. ગયા વર્ષે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા મળ્યા હતા એની સરખામણીમાં ચાલુ વર્ષે પ્રતિ ક્વિન્ટલ ૭૦૦૦થી ૮૦૦૦ રૂપિયા ભાવ મળતાં ખેડૂતોએ ઊંચા ભાવ મળે એની રાહમાં કપાસ બહુ ઓછો વેચ્યો હોવાથી ગયા વર્ષની સરખામણીમાં રૂની આવક ૫૦થી ૬૦ લાખ ગાંસડી ઓછી રહે છે. અત્યાર સુધીમાં દેશમાં ૨૩૧ લાખ ગાંસડી રૂની આવક થઈ ચૂકી છે જે ગયા વર્ષે આ સમયે ૨૭૫ લાખ ગાંસડી કરતાં વધુ આવક થઈ હતી. આટલી ઓછી આવક થઈ રહી હોવાથી રૂનું ઉત્પાદન ઓછું થયાની શંકા
આવી રહી હોવાથી રૂના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, પણ વાસ્તવમાં રૂનું ઉત્પાદન ઘટ્યું છે કે ખેડૂતોને કપાસના નીચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો કપાસ વેચતા નથી. આથી રૂની આવક ગયા વર્ષ કરતાં ઓછી દેખાય છે. આ બાબતે ભારે મતમતાંતર છે.
રૂના વેપારીઓ અને અભ્યાસુઓનો સાવ જુદો મત
સીસીપીસી અને કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ રૂના ઉત્પાદનનો અંદાજ મૂકી દીધો છે, પણ રૂની માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓ અને અભ્યાસુઓ માની રહ્યા છે કે કપાસના વાવેતરમાં વધારો થયો હતો અને કપાસના ક્રૉપ માટે વાતાવરણ એકદમ અનુકૂળ રહ્યું હતું તેમ જ અત્યાર સુધી કપાસ-રૂની જે આવક થઈ છે એની ક્વૉલિટી જોતાં ચાલુ વર્ષે રૂનું ઉત્પાદન ૩૪૫થી ૩૫૦ લાખ ગાંસડી થયું છે. વાસ્તવમાં ખેડૂતોને ગયા વર્ષની સરખામણીમાં નીચા ભાવ મળતાં તેઓના ઘરમાં પુષ્કળ માત્રામાં કપાસ પડ્યો છે. હાલ ખેડૂતોના ઘરમાં અને ખેતરમાં મળીને હજી એક કરોડ ગાંસડી રૂની આવક બાકી છે તેમ જ આંધ્ર પ્રદેશ, તેલંગણ, કર્ણાટક અને તામિલનાડુનો ૨૫ લાખ ગાંસડી રૂનો ક્રૉપ ખેતરમાં તૈયાર થવા આવ્યો છે, જેની આવક આગામી મહિનાથી ચાલુ થશે. આમ, સવા કરોડ ગાંસડી રૂનો ક્રૉપ હજુ માર્કેટમાં છે. એપ્રિલ મહિનામાં રોજની રૂની દોઢ લાખ ગાંસડીની આવક થઈ રહી છે. રૂના ભાવ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પ્રતિ ખાંડી ૯૩,૦૦૦થી ૯૫,૦૦૦ રૂપિયા હતા, જેના હાલ ૬૨,૦૦૦થી ૬૨,૫૦૦ રૂપિયા ચાલી રહ્યા છે.
ઉત્પાદનના અંદાજમાં ફરકથી માર્કેટમાં અનિશ્ચિતતા
રૂ માર્કેટમાં ઉત્પાદનના અંદાજ વિશે ભારે મતમતાંતર છે ત્યારે કપાસ ઉગાડતા ખેડૂતોને હજી પણ ગયા વર્ષ જેટલા ઊંચા ભાવ આગળ જતા મળશે એવી આશા છે ત્યારે જીનિંગ ઇન્ડસ્ટ્રીઝને રૂના ભાવ હજી નીચા જશે એવી આશા છે, કારણ કે ચાલુ વર્ષે જીનિંગ ઇન્ડસ્ટ્રીઝને સીઝનના પ્રારંભથી ડિસ્પેરિટીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝને છેલ્લા દોઢ મહિનાથી કૉટન યાર્નની એકદમ ઓછી ડિમાન્ડનો સામનો કરવો પડી રહ્યો છે આથી સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝને રૂના ભાવ નીચા જવાની આશા છે. આમ, રૂ માર્કેટમાં તમામ સ્ટેક હોલ્ડર્સની ધારણા અલગ-અલગ છે અને ઉત્પાદનના અંદાજ પણ અલગ-અલગ છે આથી ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે.