02 October, 2024 09:12 AM IST | Mumbai | Mayur Mehta
સોના અને ચાંદીના ભાવમાં વધારો
લેબૅનનમાં ઘૂસીને હિઝબુલ્લા પર આક્રમણ કરવાના ઇઝરાયલના એલાનથી સોના-ચાંદી ઘટ્યા મથાળેથી વધારો થયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૧૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૮૨ રૂપિયો વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
નૅશનલ એસોસિએશન ઑફ બિઝનેસ ઇકૉનૉમિક્સ નામના ઑર્ગેનાઇઝેશન દ્વારા યોજાયેલી કૉન્ફરન્સમાં ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે રેટ-કટ વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હાલના ઇન્ટરેસ્ટ રેટ એ લેવલે છે કે જેનાથી રિસેશનનો કોઈ ભય નથી કે ઇકૉનૉમીને બૂસ્ટ મળવાની પણ શક્યતા નથી. આથી રેટ-કટ વિશે ફેડ કોઈ ઝડપી નિર્ણય લેવા માગતી નથી. અમેરિકાનું ઇન્ફ્લેશન ફેડના બે ટકાના ટાર્ગેટ સુધી પહોંચવાનો વિશ્વાસ હવે મજબૂત છે અને લેબર માર્કેટ પણ પ્રમાણમાં હેલ્ધી હોવાથી ફેડ નવેમ્બર મીટિંગમાં અગાઉની મીટિંગ જેટલો ૫૦ બેસિસ પૉઇન્ટને બદલે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવી શકે છે એવો સ્પષ્ટ મેસેજ પૉવેલે આપ્યો હતો.
ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે આગામી મીટિંગમાં નાનો રેટ-કટ આવવાની કમેન્ટ કરતાં મંગળવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૦૮ ટકા વધીને ૧૦૦.૮૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. જેરોમ પૉવેલની કમેન્ટ બાદ નવેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સિસ ફેડવૉચ રિપોર્ટમાં ૫૩ ટકાથી ઘટીને ૩૬ ટકા થતાં ડૉલર ઇન્ડેક્સમાં પણ મજબૂતી વધી હતી. પૉવેલની કમેન્ટ બાદ નવેમ્બર મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાના ચાન્સ વધીને ૬૪ ટકા થયા હતા. પૉવેલની કમેન્ટથી નવેમ્બર મીટિંગમાં રેટ-કટ નિશ્ચિત આવશે એવી શક્યતાને પગલે ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૦.૦૧૫ ટકા ઘટીને ૩.૭૮૭ ટકા થયાં હતાં.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનાં ચૅરવુમન લગાર્ડે પણ ફેડ ચૅરમૅન પૉવેલ જેવો સંકેત આપીને કોઈ આક્રમક રેટ-કટ આવવાની શક્યતા નકારી હતી. લગાર્ડેએ જણાવ્યું હતું કે યુરોપિયન ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ છે અને લેબર-માર્કેટમાં એમ્પ્લૉયમેન્ટ ગ્રોથ ધીમો હોવા છતાં પણ નબળો નથી. લગાર્ડેની કમેન્ટ બાદ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ હવે આક્રમક રેટ-કટ નહીં લાવે એવા સંકેત મળી રહ્યા છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૫,૫૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૨૧૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૮૮૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઇકૉનૉમિક કે જિયોપૉલિટિકલ ક્રાઇસિસ હંમેશા સોના-ચાંદી માટે તેજીનું મજબૂત કારણ બનીને સામે આવે છે. ઇઝરાયલના ઇસ્લામિક આતંકવાદને ખતમ કરવાનાં તેવર જોતાં મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કોઈ રોકી શકે એમ નથી, કારણ કે ઇસ્લામિક આતંકવાદથી આખું વિશ્વ ત્રસ્ત છે. અમેરિકાએ યુદ્ધને રોકવા દેખાવી પ્રયાસો કર્યા, પણ ઇઝરાયલની મિલિટરી ઍક્શન જોતાં અમેરિકાની છૂપી સહમતી સ્પષ્ટ દેખાય છે. ઇઝરાયલે હિઝબુલ્લાના કમાન્ડર અને લીડરોને ખતમ કર્યા બાદ હવે લેબૅનનમાં ઘૂસીને હિઝબુલ્લાના તમામ અડ્ડાઓનો ખાતમો કરવાનું ચાલુ કરતાં જેમ હમાસની કમર તોડી નાખી એ જ રીતે હવે હિઝબુલ્લા અને યમનના આતંકવાદી સંગઠન હુથીની કમર નહીં તોડી નાખે ત્યાં સુધી ઇઝરાયલ જંપશે નહીં. સામે પક્ષે હિઝબુલ્લા અને હુથીને ઈરાન સહિત અનેક બળુકા દેશોનું કટ્ટર સમર્થન હોવાથી આ યુદ્વ લાંબુ ચાલશે આથી સોનાને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ હજી લાંબા સમય સુધી મળતો રહેશે.