મુંબઈ પોર્ટ પર આગામી એક સપ્તાહમાં ૩૦,૦૦૦ ટન આયાતી તુવેરનો જથ્થો ઊતરશે

16 December, 2022 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી તુવેરની આવક ધીમી ગતિએ વધી રહી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ પોર્ટ પર સારા પ્રમાણમાં આફ્રિકન તુવેરનો જથ્થો આવવાનો છે. ટેન બિન્હ ૧૨૯ નામનું જહાજ ૧૬ ડિસેમ્બરે ૧૦,૩૨૯ ટન આફ્રિકન તુવેરની સપ્લાય સાથે મુંબઈ પોર્ટ પર પહોંચશે એવો અંદાજ છે. જ્યારે પીએચ જિઆંગ મિન્હ જહાજ ૨૦,૨૫૮ ટન આફ્રિકન તુવેરનો માલ લઈને મુંબઈ પોર્ટમાં ૨૧ ડિસેમ્બરે પહોંચશે એવો અંદાજ છે.

દરમ્યાન સમાચાર આવ્યા હતા કે તામિલનાડુ સિવિલ સપ્લાય કૉર્પોરેશને તુવેરદાળ અને કૅનેડા મસૂર માટે ૨૦,૦૦૦ ટનનું ટેન્ડર જાહેર કર્યું છે. આ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ ૩૦ ડિસેમ્બર છે.

બીજી બાજુ ગુરુવારે સોલાપુરમાં તુવેરની આવક સ્થિર થઈ હતી. આવક ૨૪-૨૫ મોટરની રહી હતી. સારો માલ નહીં હોવાથી ભાવ નબળા ખૂલ્યા હતા. સારી ગુણવત્તાના અભાવે લેવાલી પણ ઓછી છે. ગયા વર્ષના સમાન દિવસે તુવેરની ૪૦ મોટરની આવક થઈ હતી. ગુરુવારે સોલાપુરમાં તુવેર મારુતિના ભાવ ૧૦૦ રૂપિયા ઘટીને પ્રતિ ક્વિન્ટલ ૭૨૦૦-૭૪૦૦ રૂપિયાના સ્તરે અને તુવેર પિંકના ભાવ ૧૫૦ રૂપિયા ઘટીને પ્રતિ ક્વિન્ટલ ૭૫૦૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

દાહોદ બજારમાં ગુરુવારે તુવેર રેડની ૨૦૦ ગૂણીની આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૪૪૫૦-૪૮૫૦ રૂપિયાના સ્તરે સ્થિર ટ્રેડ થઈ રહ્યા હતા. મહારાષ્ટ્રના અમરાવતીમાં તુવેરના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૧૦૦-૭૬૫૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે આવક ૯૦૦-૧૦૦૦ ક્વિન્ટલ થઈ હતી. બીજી બાજુ તુવેર ઍવરેજ મારુતિના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૬૦૦ રૂપિયા બોલાઈ રહ્યા હતા અને આવક પચીસ ગૂણીની થઈ હતી.

જાલનામાં પણ નવી તુવેરની આવકમાં હલકો માલ છે. ગુરુવારે ૫૦ ગૂણીની આવક થઈ હતી અને નવી તુવેર સફેદના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૬૫૦૦-૭૬૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.  

business news commodity market mumbai airport