ગુજરાતના ડિસ્ટ્રિબ્યુટરે મોટા પ્રમાણમાં માલ લીધા બાદ વેપારી પૈસા માગવા ગયો ત્યારે તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં પ્રાણીઓના ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરતા વેપારી પાસેથી ગુજરાતના વડોદરાના એક ડિસ્ટ્રિબ્યુટરે મોટા પ્રમાણમાં માલ લીધા બાદ આશરે ૩.૯૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. માલના પૈસા માગવા માટે વેપારી ડિસ્ટ્રિબ્યુટર પાસે ગયો ત્યારે તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં વેપારીએ એમએચબી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર છેતરપિંડી કરનાર ડિસ્ટ્રિબ્યુટરે પૈસા દેશની બહાર મોકલ્યા હોવાની માહિતી સામે આવી છે.
બોરીવલીના દેવીદાસ રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને લિન્ક રોડના એક્સર મેટ્રો સ્ટેશન નજીક હાઈ લાઇફ હેલ્થકૅર નામે પ્રાણીઓના ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરતા બબી કલ્પેશ શાહે કરેલી ફરિયાદ અનુસાર ડિસેમ્બર ૨૦૨૧માં વડોદરાના મંજાલપુરમાં મેસર્સ કે. એમ. એન્ટરપ્રાઇઝિસના નામે વ્યવસાય કરતા રાજેશ વિશપુતેએ તેમની કંપનીનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાની પાસે ગુજરાત સહિત બીજાં રાજ્યોમાં ગ્રાહકો હોવાની માહિતી ફરિયાદીને આપી હતી. ત્યાર બાદ રાજેશ મુંબઈ ફરિયાદીને મળવા માટે પણ આવ્યો હતો. પહેલાં નાનો ઑર્ડર આપ્યા બાદ એનું પેમેન્ટ તેણે આપ્યું હતું. એમ ધીરે-ધીરે કરીને વિશ્વાસ તૈયાર કર્યા બાદ તેણે એકસાથે ૮૮.૭૯ લાખ રૂપિયાનો ઑર્ડર આપ્યો હતો જેનું પેમેન્ટ માગતાં તેણે બહાનાં બતાવવાની શરૂઆત કરી હતી. સાથે બીજો માલ મોકલવાનું કહ્યું હતું. ધીરે-ધીરે કરીને તેણે આશરે ૩,૯૧,૪૬,૭૧૦ રૂપિયાનો માલ લીધા બાદ પેમેન્ટ આપ્યું નહોતું. આ માલના આશરે ૨૫ બિલ તૈયાર થઈ જતાં ફરિયાદીએ પોતાની પાસે કામ કરતા યુવાનને પૈસા લેવા મોકલ્યો ત્યારે તેણે કોઈ જાતનો જવાબ આરોપીએ આપ્યો નહોતો. અંતે ફરિયાદી પોતે પેમેન્ટ માટે ગયો ત્યારે આરોપીની પત્નીએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું. છેવટે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં આ ઘટનાની ફરિયાદ એમએચબી પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
એમએચબી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં આરોપીનો પુત્રી દેશબહાર છે. તેણે આ તમામ પૈસા તેની પુત્રીને મોકલ્યા હોવાની અમને શંકા છે. આ સંબંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

